રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!
‘તમે આવીને અમારું મંદિર અભડાવી દીધું‘ કહી મંદિરના સંચાલક રાજુ રામાવત અને તેના પરિવારે આચર્યું શરમજનક કૃત્ય : એટ્રોસિટી એકટ હેઠળ નોંધાઇ ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં અસ્પૃશ્યતા હજું પણ જીવંત હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રતનપરમાં પરીવારને મંદિરમાં જતાં અટકાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા કુવાડવા રોડ પોલીસ મથકમાં મંદિરના સંચાલક રાજુ રામાવત અને તેના પરીવારના સભ્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટ નજીક રતનપર ગામના પાટીયા પાસે જલારામ સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ હમીરભાઈ જાદવ (ઉ.વ.55) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજુ રામાવત, મયુર રાજુ રામાવત, હેતલ ચંદ્રેશ ભલસોડ, ચંદ્રેશ ભલસોડ ( રહે તમામ રતનપર ગામના પાટીયા પાસે જલારામ સોસાયટી) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. તેઓ રતનપર ગામના પાટીયા પાસે જલારામ સોસા શેરી નં. 1 ખાતે છેલ્લા અઢી વર્ષથી પરીવાર સાથે રહે છે. જલારામ સોસાયટીમાં હનુમાનજીનુ મંદિર આવેલ છે. જેનુ સંચાલન સોસાયટીમાં બાજુમાં રહેતા રાજુભાઈ રામાવત કરે છે. આ મંદિરમાં ફરીયાદી તથા તેમના પરીવારને આ રાજુભાઇ મંદિરમાં જવાની ના પાડતા હોય જેથી તેઓ કે તેમના પરીવારના એકેય સભ્ય આ હનુમાનજીના મંદિરમાં કયારેય જતા ન હતા.
પરંતુ ગઇ તા.22 ના સવારના ગામના સરપંચ લાલભા દરબાર સોસાયટીમાં આવેલ તો તેઓને રજુઆત કરેલ કે, આ અમારી સોસાયટીમાં રહેલ હનુમાનજીનુ મંદિર સાર્વજનીક હોવા છતા આ રાજુ રામાવત અમને મંદિરમાં જવા દેતા નથી.
જેથી લાલભા સરપંચએ કહેલ કે, મંદિરમાં બધાને જવાનો અધિકાર છે, તેમા જતા કોઈ કોઈને રોકી શકે નહી જેથી તમે મંદિરમાં જજો અને જો મંદિરમાં ન જવા દે તો મારી પાસે આવજો કહીં સરપંચ જતા રહેલ હતાં. તે જ દિવસે સાંજના આશરે નવેક વાગ્યે ફરીયાદીના 5ત્ની સપનાબેન સરપંચના કહેવા મુજબ હનુમાનજીના મંદિરે આવેલ ચબુતરા પાસે સોસાયટીની બહેનો સાથે બેસવા ગયેલ હતા.
બાદ ગઇ તા.23 ના સવારના સાતેક વાગ્યે ફરીયાદી ઘરે સુતા હતા તેવામાં દેકારાનો અવાજ આવતા ઘરની બાહર આવેલ તો આ રાજુ રામાવત, તેમનો દિકરો મયુર રામાવત, હેતલબ ભલસોડ તથા તેમના પતિ ચંદ્રેશ ભલસોડ પ્રૌઢની પત્ની સપનાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. જેથી તમામને ઝઘડો ન કરવા સમજાવવા જતા આ તમામે ફરીયાદી દંપતી તથા તેમના દિકરા જયને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી કહેવા લાગેલ કે તમને મંદિરમાં જવાનો અધિકાર નથી, તમે મંદિરમાં જઇને અમારૂ મંદિર અભડાવી દીધુ છે.
ઉપરાંત રાજુએ પાસે આવી કોલર પકડી કહેલ કે, હવે તારી બાયડીને સમજાવી દે જે કે મંદિરના પગથીયા ના ચડે કે મંદિરની આજુબાજુ ડોકાય નહી નહીતર તારા આખા ઘરના ટાટીયા ભાગી નાખી જાનથી મારી નાખીશ ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.


