ગોંડલ વીજપોલના વિરોધમાં ખેડૂતોની વિશાળ રેલી, ‘આપ’ નેતા જોડાતા રાજકીય ગરમાવો
નાયબ કલેકટરને આવેદન પાઠવી ન્યાયીક નિર્ણય લેવા ખેડૂતોની રજુઆત
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ પંથકના અલગ-અલગ ગામોના ખેતરોમાંથી પસાર થતી જેટકો કંપનીની હાઈટેન્શન વીજ લાઈનો અને વીજપોલના વિરોધમાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.
ત્રણ દિવસ પહેલાં એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા બાદ, આજે ગોંડલ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં સૂત્રો લખેલા બેનરો સાથે સવારે 8:30 વાગ્યે ગોંડલ પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.
આ રેલી પાંજરાપોળથી નીકળી જેલચોક, ગુંદાળા દરવાજા, શ્યામવાડી ચોક અને કોલેજ ચોક થઈ મામલતદાર તેમજ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. રસ્તામાં આવતી તમામ મહાનુભાવોની પ્રતિમાઓને હારતોરા કરી ખેડૂતોએ “ખેડૂત બચાવો, દેશ બચાવો” અને “ખેડૂતો પર અત્યાચાર બંધ કરો” ના ગગનભેદી નારા લગાવ્યા હતા. મોરબીના જેતપર ગામના આયોજનને સમર્થન આપવા જામજોધપુર, જસદણ, મોરબી અને જેતપુર તાલુકાના અંદાજે 16,000 જેટલા ખેડૂતો આ લડતમાં જોડાયા છે.
ખેડૂતોની આ રેલી જ્યારે જેલચોક જન સેવા કેન્દ્ર પાસે પહોંચી, ત્યારે વાતાવરણમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. કિસાન અગ્રણી રાજુભાઈ સખીયા અને આમ આદમી પાર્ટીના નેતા જીગીષાબેન પટેલ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટક્કર જોવા મળી હતી. રાજુભાઈ સખીયાએ સ્પષ્ટ કર્યું હતું કે આ રેલી સંપૂર્ણપણે બિનરાજકીય છે અને તેમાં કોઈ રાજકીય આગેવાન ન ચાલે. જેની સામે જીગીષાબેન પટેલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, તમે પોતે પણ ગત ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી લડ્યા હતા, અને હું અહીં ‘આપ’ નેતા તરીકે નહીં પરંતુ ખેડૂતની દીકરી તરીકે આવી છું. જોકે, વિવાદ વકરતા અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી જીગીષાબેન પટેલ રેલીને અધવચ્ચે જ છોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
રાજુભાઈ સખીયા (કિસાન અગ્રણી) જણાવ્યું હતું કે જેટકો કંપની દ્વારા કાલાવડ ખંઢેરાથી ઘેલા સોમનાથ (400 KV / 765 KV) અને ચોરાણી-હડાળા એમ બે લાઈનો ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણની શરૂઆતમાં જ વીજ કંપનીઓ ખેતરોમાં ઘૂસી જાય છે. અમે અગાઉ વાંધા અરજીઓ આપી હતી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. વળતર અને એગ્રીમેન્ટ વગર જો થાંભલા નાખશે તો અમને મંજૂર નથી. અમે આની સામે ગુજરાત હાઈકોર્ટમાં સામૂહિક રીટ પીટીશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ બિનરાજકીય હતો, રાજકીય પક્ષો પોતાના સંગઠન દ્વારા અલગથી અમને સમર્થન આપી શકે છે.
ચોમાસાની આડમાં ખેતરોમાં ઉભા થતા વીજપોલ સામે ગોંડલ અને સૌરાષ્ટ્રના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. નાયબ કલેક્ટરના માધ્યમથી જિલ્લા કલેક્ટરને અલ્ટીમેટમ આપતું આવેદનપત્ર તો આપી દેવાયું છે, પણ જો આગામી દિવસોમાં કામગીરી સ્થગિત કરી યોગ્ય વળતરની જાહેરાત નહીં થાય, તો આ મામલો હાઈકોર્ટ અને ત્યારબાદ વધુ ઉગ્ર આંદોલન તરફ ફંટાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
મને બોલાવવામાં આવી હતી : જીગીશા પટેલ
જીગીષાબેન પટેલ (‘આપ’ નેતા) જણાવ્યું હતું કે “રાજુભાઈ સખીયા નથી ઈચ્છતા કે હું આ રેલીમાં આવું છતાં પણ ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી એટલે હું આવી છું. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય. ખેડૂતોની જે પીડા છે એ કલેક્ટર સુધી પહોંચે એટલા માટે હું આ રેલીને અધવચ્ચેથી છોડીને જાઉં છું. આ પીડા ખેડૂતોની છે, કોઈ રાજકીય પક્ષની નથી. કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા તૈયાર છીએ.
સરકાર ગામડાને સ્વર્ગ બનાવવાના બદલે સ્મશાન બનાવી રહી છે : ખેડૂત
પ્રવીણભાઈ હરિભાઈ ખાખરિયા (ખેડૂત અગ્રણી, શ્રીનાથગઢ) આ સરકાર ગામડાંને સ્વર્ગ બનાવવાને બદલે શ્મશાન બનાવવા માંગે છે. ગાંધીજીએ કહ્યું હતું કે ‘Nothing is impossible in the world’ એટલે કે કોઈ કામ અશક્ય નથી, ખેડૂત ધારે તે કરી શકે છે. જો આ વીજપોલ અંગે યોગ્ય નિર્ણય નહીં આવે, તો ગુજરાતના તમામ 18,000 ગામડાંના ખેડૂતોને ભેગા કરીને ઉગ્ર નિર્ણય લેવામાં આવશે.


