વિદ્યાર્થીઓને બેવડો માર! પાઠય પુસ્તકની સાથે શાળામાં વિષય નિષ્ણાંતોની પણ ઘટ
નવા શૈક્ષણિક સત્રના એક મહિના બાદ પણ ૬૦૦૦ શિક્ષકોની જગ્યા ખાલી, શિક્ષણ વ્યવસ્થા પર ઉઠેલા સવાલો, બાળકોના અભ્યાસ પર પડતી ગંભીર અસર
અગ્ર ગુજરાત, રાજકોટ
નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા છતાં શિક્ષકોની અછતના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. હાલ વિદ્યાર્થીઓ બેવડી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક તરફ પાઠયપુસ્તકો પહોંચ્યા નથી ત્યાં વિષય નિષ્ણાંતોની ઘટથી ભણવુ અતિ મુશ્કેલ થઇ રહ્યું છે. બંને સમસ્યાનો તાકીદે ઉકેલ નહી આવે તો પરિણામ પર તેની ગંભીર અસર થવાની ચર્ચાએ જોર પકડયું છે.
રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને એક મહિનો થવા છતાં હજુ સુધી ધો.9થી 12ની સ્કૂલોમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત તો એ કે, કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા હજુ સુધી જિલ્લાઓમાંથી કઇ સ્કૂલમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે તેની આંકડાકીય માહિતી પણ મગાવવામાં આવી ન હોવાની વિગતો બહાર આવી છે.
સામાન્ય રીતે સ્કૂલો શરૂ થાય તે પહેલા ધો.9થી 12માં કઇ સ્કૂલમાં કેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેની વિગતો વિભાગ દ્વારા મગાવી લેવામાં આવતી હોય છે. હાલની સ્થિતિ એવી છે કે, સ્કૂલ શરૂ થઇ તેને એક મહિનો થઇ ચૂક્યો છે. સરકાર દ્વારા જે સ્કૂલોમાં કાયમી શિક્ષકોની અછત છે તેવી સ્કૂલમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે. સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓની આંકડાકીય વિગતો મગાવ્યા પછી જે પ્રમાણે જગ્યાઓ ખાલી હોય તે પ્રમાણે જાહેરાત આપીને જ્ઞાન સહાયક માટે અરજીઓ મગાવવામાં આવતી હોય છે.
સૂત્રો કહે છે કે, હજુ સુધી વિભાગ દ્વારા સ્કૂલો પાસેથી ધો.9થી 12માં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ અંગેની વિગતો જ મગાવવામાં આવી નથી. નિયમ પ્રમાણે શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો આવ્યા બાદ જાહેરાત આપીને જ્ઞાન સહાયક માટેની અરજીઓ મગાવવામાં આવતી હોય છે. હજુ સુધી આંકડાકીય વિગતો જ મગાવવામાં આવી નથી ત્યારે જ્ઞાન સહાયકની ભરતી કયારે થશે તે પ્રશ્ન છે. સૂત્રો કહે છે કે, વિભાગ દ્વારા આગામી બે દિવસમાં જ્ઞાન સહાયક માટે અરજીઓ મગાવવામાં આવે તો પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં એક માસથી વધારે સમય પસાર થઇ જાય તેમ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો વગર અભ્યાસ કરીને પ્રથમ કસોટી આપવી પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે.
અંતરિયાળ ઓર્ડર આપવાની સર્જાયેલી સમસ્યા
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અંદાજે 6,000 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. સંચાલકોના જણાવ્યા મુજબ, શિક્ષકોને તેમના ઘરથી દૂર ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં બદલીના ઓર્ડર આપવામાં આવે છે. જેના કારણે શિક્ષકો ત્યાં હાજર થવાનું ટાળે છે અથવા રાજીનામા આપી દે છે, પરિણામે વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ મળતું નથી.
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે રાજ્ય શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ માંગણી કરી છે. મંડળના ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, જો સરકાર ભરતી પ્રક્રિયામાં વિલંબ કરી રહી હોય, તો અમને સ્થાનિક કક્ષાએ ‘પ્રવાસી શિક્ષકો’ની પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. આ છૂટ મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસનું જે નુકસાન થઈ રહ્યું છે તેને અટકાવી શકાય તેમ છે.


