રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો
આરપીએફ જવાનની સર્તકતાથી જીવ બચ્યો : ચાલુ ટ્રેનમાં ચડવા જતા પટકાયો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેલવે સ્ટેશન પર આજે એક મોટો અકસ્માત સર્જાતા સહેજમાં અટક્યો હતો. રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી મડગાંવ-હાપા ટ્રેનમાં ચડવા જતા મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જતા દોડધામ મચી હતી. જો કે, નજીકમાં હજાર RPFના જવાને મુસાફરના હાથ પકડી બહાર ખેંચી લેતા મુાસફરોને જીવ બચી ગયો હતો. આ સમગ્ર બનાવ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો.
રાજકોટ રેલવે સ્ટેશન પર આજે સવારે 10-50ના સમયમાં આવેલી મડગાંવ-હાપા ટ્રેન સ્ટોપ કર્યા બાદ આગળના સ્ટેશન જવા માટે નીકળી હતી. આ સમયે જ એક મુસાફર દોડતો આવે છે અને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે. પરંતુ, કોઈ કારણોસર તેનો પગ લપસી જતા તે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જાય છે. આ સમયે જ તેનાથી થોડે દૂર હાજર RPF સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુધરાજસિંહ જાડેજા હાજર હોય તેને પળભરનો પણ વિચાર કર્યા વગર મુસાફરના હાથ પકડી રાખ્યા હતા અને પોતાની તરફ ખેંચી લીધા હતા.
મુસાફરને જીવ બચી જતા તેમના અને તેમના પરિવારદ્વારા હેડ કોન્સ્ટેબલનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ જાડેજાની હિંમતને બિરદાવી હતી.


