સોરઠમાં સોળે કલાએ ખીલેલી પ્રકૃતિ, મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા
ભવનાથ, વિલિંગ્ડન ડેમ સહિતના સ્થળોએ સહેલાણીઓના ઘોડાપૂરથી ટ્રાફિકજામ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ શહેર અને આજુબાજુના ગ્રામ્ય પંથક સહિત સમગ્ર તાલુકાઓમાં જામેલા અદભુત વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિના આ મનોહર રૂપને માણવા માટે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ભવનાથ તળેટી અને ઐતિહાસિક વિલિંગ્ડન ડેમ ખાતે ઉમટી પડ્યા છે.
ચોમાસાના આ આહલાદક વાતાવરણ અને નયનરમ્ય દ્રશ્યોનો આનંદ ઉઠાવવા માટે લોકો પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ભવનાથ અને વિલિંગ્ડન ડેમ તરફ વળ્યા છે, જેના કારણે ચારેય તરફ માનવ મહેરામણ ઊભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ચોમાસાની ઋતુમાં ખીલેલા અદભુત કુદરતી સૌંદર્યનો લાહવો લેવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વિલિંગ્ડન ડેમ હજુ સંપૂર્ણ ઓવરફ્લો થાય તે પહેલા જ તેને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ છે. વીકેન્ડ અને વરસાદી માહોલના કારણે વિલિંગ્ડન ડેમ તરફ જતો માર્ગ તેમજ ભવનાથ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. આમ છતાં, પ્રકૃતિપ્રેમીઓનો ઉત્સાહ ઓછો થયો નથી અને લોકો ટ્રાફિક વચ્ચે પણ કુદરતના સાનિધ્યનો આનંદ માણી રહ્યા છે.
આ ભવ્ય વાતાવરણ વચ્ચે પવિત્ર ગિરનાર પર્વતનો નજારો અત્યારે અદભુત અને મંત્રમુગ્ધ કરનારો જોવા મળી રહ્યો છે. ચોમાસાના વરસાદને પગલે ગિરનાર પર્વતની હરિયાળી એટલી મનમોહક બની છે કે જાણે ગિરનારે લીલીછમ ઓઢણી ઓઢી લીધી હોય તેવો ભાસ થઈ રહ્યો છે. પર્વતમાળાઓ પરથી વહેતા ઝરણાં અને આસપાસના સુંદર કુદરતી દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને આ અદ્ભુત ક્ષણોને માણવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.


