પારડીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા શાપર પોલીસે વેશપલ્ટો કરી હત્યારા પ્રેમીને હરિદ્વારથી દબોચ્યો
મૃતક જુબેદા પતિ સાથે ચાલી જતાં ઉશ્કેરાયેલા પ્રેમી પ્રવિણ વાઘેલાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર પોલીસે પારડી ગામે થયેલા ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલીને મુખ્ય આરોપી સહિત બેને હજાર કિલોમીટર દૂર ઉત્તરાખંડના હરિદ્વારથી ઝડપી પાડ્યા છે.
ગત 12 જૂન 2026ના રોજ શાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામે ઓટો રિક્ષામાં આવેલા આરોપીઓએ જુબેદાબેન અયુબભાઇ ગુદડી પર છરીથી આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઘવાયેલા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ103(1) મુજબ હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. ઘટના બાદ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતા ફરતા હતા.
શાપર પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, આ ગુનાના આરોપીઓ હાલ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યા છે. આથી પી.આઈ. આર.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ હરિદ્વાર રવાના થઈ હતી. હરિદ્વાર પહોંચીને પોલીસે સ્થાનિક ભીડમાં ઓળખાઈ ન જવાય તે માટે વેશપલટો કર્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી હરિદ્વાર રેલ્વે સ્ટેશન ખાતેથી મુખ્ય આરોપી પ્રવીણભાઇ ઉર્ફે લાખાળો ગલાભાઇ વાઘેલા (ઉ.વ. ૪૦) તથા એક કિશોરને દબોચી લીધા હતા.
પકડાયેલા બંને આરોપીઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સદાદ ગામના વતની છે અને હાલ મોરબીના કાંતીનગરમાં રહેતા હતા. આ ઓપરેશનને પાર પાડવામાં શાપર પી.આઈ. આર.બી. રાણા, એએસઆઈ દિવ્યરાજસિંહ, ક્રીપાલસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ, જગશીભાઈ, કોન્સ્ટેબલ અલ્પેશભાઇ, લગધીરસીંહ, રાજદીપસીંહ, મનસુખભાઇ તેમજ ગોંડલ નાયબ પોલીસ અધીક્ષક કચેરીના એએસઆઈ છત્રપાલસીંહ જાડેજા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.


