લાખો શ્રદ્ધાળુઓની આસ્થા પર પાણી, તંત્ર સામે ઉઠ્યા સવાલો
અમરનાથમાં પાંચમા જ દિવસે હિમલિંગ અંતર્ધ્યાન
52 દિવસની યાત્રા વચ્ચે જ હિમ શિવલિંગ પીગળી ગયું; હવે માત્ર ગુફા અને પવિત્ર સ્થાનના જ થશે દર્શન, વહેલી યાત્રા શરૂ ન કરવા અંગે ભક્તોમાં ભારે રોષ
અતુલ સુરાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના સૌથી પવિત્ર અને આસ્થાના કેન્દ્ર ગણાતા અમરનાથ ધામમાં આ વર્ષે શરૂ થયેલી યાત્રા દરમિયાન એક એવી ઘટના બની છે, જેણે લાખો શિવભક્તોને નિરાશ કરી દીધા છે. 3 જુલાઈથી શરૂ થયેલી 52 દિવસીય અમરનાથ યાત્રાના માત્ર પાંચમા દિવસે, એટલે કે 7 જુલાઈએ કુદરતી રીતે હિમથી રચાતું પવિત્ર હિમલિંગ સંપૂર્ણપણે પીગળી જતાં ભોળાનાથ “અંતર્ધ્યાન” થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમાચાર સામે આવતા દેશભરના શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
અમરનાથ ગુફામાં કુદરતી રીતે રચાતું હિમલિંગ ભગવાન શિવનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે હજારો નહીં પરંતુ લાખો ભક્તો માત્ર આ દિવ્ય હિમલિંગના દર્શન માટે કઠિન યાત્રા કરીને અમરનાથ પહોંચે છે. આ વર્ષે પણ લાખો લોકોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી યાત્રાની તૈયારી કરી હતી. જોકે યાત્રા શરૂ થયાના પાંચમા જ દિવસે હિમલિંગ પીગળી જતાં હવે આગળ જતા હજારો યાત્રાળુઓને માત્ર ગુફા અને પવિત્ર સ્થાનના જ દર્શન થશે.
હાલ બાલતાલ માર્ગેથી જતા યાત્રાળુઓનો ચોથો જથ્થો અને પહેલગામ માર્ગેથી જતા યાત્રાળુઓનો બીજો જથ્થો દર્શન કરીને પરત ફરી ચૂક્યો છે. પરંતુ હજુ હજારો યાત્રાળુઓ વિવિધ પડાવ પર છે અને લાખો લોકો આગામી દિવસોમાં યાત્રા માટે જવાના છે. આવા સમયે હિમલિંગના અંતર્ધ્યાનના સમાચારથી તેમની ધાર્મિક લાગણીઓને મોટો આઘાત પહોંચ્યો છે.
દર વર્ષે હિમલિંગનું કદ હવામાન, તાપમાન અને કુદરતી પરિસ્થિતિઓ પર આધારિત રહે છે. વધતા તાપમાન, વરસાદ અથવા અન્ય કુદરતી કારણોસર હિમલિંગ વહેલું પીગળી જવાની ઘટનાઓ અગાઉ પણ બની છે. છતાં આ વખતે યાત્રાના માત્ર પાંચમા દિવસે જ હિમલિંગ ગાયબ થઈ જતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.
ખાસ કરીને ભક્તો અને વિવિધ ધાર્મિક સંગઠનોનું કહેવું છે કે જૂન મહિનામાં જ્યારે હિમલિંગ સંપૂર્ણ આકારમાં અને સોળે કળાએ ખીલેલું હોય છે, ત્યારે યાત્રા અને દર્શનની શરૂઆત કેમ કરવામાં આવતી નથી? લોકોનો આરોપ છે કે તંત્ર દર વર્ષે યાત્રાની શરૂઆત ત્યાં સુધી મોડી કરે છે જ્યાં સુધી હિમલિંગનો મોટો ભાગ પીગળી ન જાય. પરિણામે હજારો ભક્તો માત્ર ગુફાના દર્શન કરીને જ પાછા ફરવા મજબૂર બને છે.
શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અમરનાથ યાત્રા માટે લોકો મહિનાઓ અગાઉથી આયોજન કરે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, લાંબી મુસાફરી કરે છે, કડકડતી ઠંડી અને ઊંચા પહાડી માર્ગોની મુશ્કેલીઓનો સામનો કરે છે, કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે અને અનેક પ્રકારની કસોટી બાદ ગુફા સુધી પહોંચે છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી હિમલિંગના દર્શન ન થાય તો તેમની આસ્થા અને ભાવનાઓને મોટો આઘાત પહોંચે છે.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચાનો માહોલ જામ્યો છે. અનેક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો હિમલિંગનું આયુષ્ય મર્યાદિત હોય અને દર વર્ષે વહેલું પીગળી જતું હોય તો યાત્રાના સમયપત્રક અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કેટલાક લોકોએ માંગ કરી છે કે હવામાન અને હિમલિંગની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાની તારીખોમાં જરૂરી ફેરફાર કરવો જોઈએ, જેથી વધુમાં વધુ ભક્તોને હિમલિંગના દર્શનનો લાભ મળી શકે.
બીજી તરફ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે હિમલિંગ સંપૂર્ણપણે કુદરતી રચના હોવાથી તેના પીગળવા પર માનવ નિયંત્રણ શક્ય નથી. હવામાનમાં થતા ફેરફારો અને વધતા તાપમાનની સીધી અસર તેના પર જોવા મળે છે. તેમ છતાં યાત્રાના આયોજનમાં સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે તો વધુ શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકે તેવી ચર્ચા પણ થઈ રહી છે.
હાલ યાત્રા યથાવત ચાલુ છે અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભક્તો અમરનાથ ગુફા સુધી પહોંચી રહ્યા છે. પરંતુ હિમલિંગના અંતર્ધ્યાન બાદ આ વર્ષની યાત્રા એક નવા વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. હવે સરકાર અને સંબંધિત તંત્ર ભક્તોની લાગણીઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં યાત્રાના આયોજનમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતિક ગણાતી અમરનાથ યાત્રામાં હિમલિંગના વહેલા અંતર્ધ્યાનથી લાખો ભક્તોની આશા અધૂરી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આગામી વર્ષોમાં ભક્તોને પૂર્ણ હિમલિંગના દર્શન થાય તે માટે તંત્ર સમયસર અને વધુ વ્યવસ્થિત આયોજન કરશે કે ફરીથી આવી જ પરિસ્થિતિ સર્જાશે.
અમરનાથ હિમલિંગની પૌરાણિક કથા: જ્યાં ભગવાન શિવે અમરત્વનું રહસ્ય જણાવ્યું
અમરનાથ ગુફા હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થોમાંનું એક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય (અમર કથા) આ ગુફામાં સંભળાવ્યું હતું. કોઈ જીવ આ કથા ન સાંભળે તે માટે શિવજીએ માર્ગમાં પોતાના વાહન નંદી, ચંદ્ર, શેષનાગ, ગણેશજી અને પાંચ તત્વોનો પણ ત્યાગ કર્યો હતો. ગુફામાં કુદરતી રીતે બનતું હિમલિંગ ભગવાન શિવના સજીવ સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો આ દિવ્ય હિમલિંગના દર્શનને જીવનનું સૌભાગ્ય માને છે.
તંત્રની તૈયારી શું હોય છે? સુરક્ષાથી લઈને આરોગ્ય સુધીની ચુસ્ત વ્યવસ્થા
અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકાર, સ્થાનિક વહીવટીતંત્ર, સુરક્ષા દળો અને આરોગ્ય વિભાગ દ્વારા મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. ગુફા સુધીના માર્ગોનું સમારકામ, લંગર, મેડિકલ કેમ્પ, ઓક્સિજન સુવિધા, હેલિકોપ્ટર સેવા, સુરક્ષા માટે સીઆરપીએફ અને અન્ય દળોની તૈનાતી તેમજ હવામાન પર સતત નજર રાખવામાં આવે છે. હજારો કર્મચારીઓ યાત્રાળુઓની સુવિધા માટે 24 કલાક ફરજ બજાવે છે. તેમ છતાં યાત્રાની તારીખો અને હિમલિંગના આયુષ્ય અંગે દર વર્ષે ચર્ચા થતી રહે છે.
હિમલિંગ શા માટે પીગળી જાય છે? જાણો વૈજ્ઞાનિક કારણ
અમરનાથનું હિમલિંગ સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયાથી બને છે. ગુફાની છતમાંથી ટપકતું પાણી અત્યંત નીચા તાપમાને બરફમાં પરિવર્તિત થઈ ધીમે-ધીમે શિવલિંગનું સ્વરૂપ ધારણ કરે છે. બહારનું વધતું તાપમાન, વરસાદ, ભેજ, ગરમ પવનો અને ગુફામાં વધતી માનવ અવરજવર હિમલિંગના પીગળવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. નિષ્ણાતોના મતે હવામાન પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) પણ છેલ્લા કેટલાક વર્ષોમાં હિમલિંગના કદ અને આયુષ્ય પર અસર કરી રહ્યું છે.
હવે આગળ શું? યાત્રા ચાલુ રહેશે, પરંતુ હિમલિંગના નહીં થાય દર્શન
હિમલિંગ પીગળી જવાથી અમરનાથ યાત્રા બંધ થતી નથી. નક્કી કરાયેલા સમયગાળા સુધી યાત્રા યથાવત ચાલુ રહે છે અને ભક્તો અમરનાથ ગુફા, પવિત્ર ગાદી તથા શિવસ્થાનના દર્શન કરે છે. જોકે જે યાત્રાળુઓ ખાસ હિમલિંગના દર્શનની આશા સાથે પહોંચશે, તેઓને નિરાશા અનુભવવી પડી શકે છે. આગામી દિવસોમાં યાત્રાના સમયપત્રકમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં તે મુદ્દે ચર્ચા વધુ તેજ બનવાની સંભાવના છે.
ભક્તોનો એક જ સવાલ: યાત્રા વહેલી શરૂ કેમ ન થાય?
શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જૂન મહિનામાં હિમલિંગ સંપૂર્ણ આકારમાં હોય છે, છતાં યાત્રાની સત્તાવાર શરૂઆત જુલાઈમાં કરવામાં આવે છે. પરિણામે ઘણા ભક્તો ગુફા સુધી પહોંચે ત્યાં સુધી હિમલિંગનો મોટો ભાગ પીગળી જાય છે અથવા સંપૂર્ણ અંતર્ધ્યાન થઈ જાય છે. હજારો રૂપિયાનો ખર્ચ, લાંબી મુસાફરી અને કઠિન ચઢાણ બાદ પણ પૂર્ણ હિમલિંગના દર્શન ન થતાં ભક્તોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આગામી વર્ષોમાં યાત્રાનું આયોજન વધુ સમયસર કરવાની માંગ વધુ પ્રબળ બનવાની શક્યતા છે.
સુરક્ષા વ્યવસ્થા વખાણવા લાયક, પરંતુ બાલતાલમાં યાત્રિકોની સુવિધા સવાલો હેઠળ
આ વર્ષની અમરનાથ યાત્રામાં શ્રીનગરથી બાલતાલ સુધી સુરક્ષા, ચેકિંગ, ટ્રાફિક નિયંત્રણ અને કાફલાની વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત જોવા મળી રહી છે. દરેક તબક્કે સુરક્ષા દળોની ચુસ્ત તૈનાતી, વાહનોનું સઘન ચેકિંગ અને યાત્રાળુઓને સુરક્ષિત રીતે બાલતાલ બેઝ કેમ્પ સુધી પહોંચાડવાની કામગીરી પ્રશંસનીય રહી છે. જોકે, બાલતાલ પહોંચ્યા બાદ યાત્રિકોને મળતી મૂળભૂત સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
યાત્રાના પ્રથમ દિવસે, 3 જુલાઈની મધરાતથી જ હજારો ભક્તો બાલતાલ બેઝ કેમ્પ ખાતે દર્શન માટે લાઇનમાં ગોઠવાઈ ગયા હતા. પરંતુ રાત્રે લગભગ 2 વાગ્યે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત ત્રણ કલાકથી વધુ સમય સુધી અનરાધાર વરસાદ વરસતો રહ્યો, છતાં હજારો ભક્તો દર્શનની આશાએ વરસાદમાં પલળતા-પલળતા લાઇનમાં જ ઉભા રહ્યા. વાતાવરણ અનુકૂળ બન્યા બાદ સવારે આશરે 5:30 વાગ્યે યાત્રા શરૂ કરવામાં આવી.
ભક્તોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે બાલતાલ બેઝ કેમ્પ ખાતે વરસાદ કે ઠંડીથી બચવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં શેડ, તાલપત્રીવાળા ટેન્ટ કે આરામગૃહોની વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કોઈ યાત્રિકને રાત્રિ રોકાણ કરવું હોય અથવા અચાનક વરસાદ પડે તો સુરક્ષિત આશરો મેળવવો મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિનો લાભ સ્થાનિક ખાનગી સંચાલકો ઉઠાવી રહ્યા હોવાનું પણ યાત્રાળુઓ જણાવી રહ્યા છે. તેમના દ્વારા ઊભા કરાયેલા નાના ટેન્ટમાં રહેવા માટે રૂ. 2,500થી રૂ. 5,000 સુધીનો ચાર્જ લેવામાં આવે છે, જે સામાન્ય યાત્રિક માટે ભારે ખર્ચાળ સાબિત થાય છે.
યાત્રાળુઓનું માનવું છે કે સુરક્ષા જેટલી જ મહત્વની મૂળભૂત સુવિધાઓ પણ છે. લાખો લોકોની યાત્રા દરમિયાન વરસાદ, ઠંડી અને રાત્રિ રોકાણ જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તંત્રએ પૂરતા પ્રમાણમાં મફત અથવા વાજબી દરે આશ્રયસ્થાનો, ટેન્ટ અને વેઇટિંગ શેડ ઊભા કરવા જોઈએ. નહીં તો દર વર્ષે ભક્તોને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને યાત્રાની વ્યવસ્થા અંગે સવાલો યથાવત રહેશે.
લીલી ઝંડીની રાહમાં કલાકો સુધી અટવાયા યાત્રિકો, પ્રથમ દિવસથી જ આયોજન સામે ઊભા થયા પ્રશ્નો
અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે જ તંત્રની આયોજન ક્ષમતા અંગે સવાલો ઊભા થયા હતા. જે યાત્રિકોનો પ્રથમ દિવસે દર્શનનો વારો હતો તેઓ અગાઉથી જ જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પ પહોંચી ગયા હતા. સુરક્ષા દળોએ તમામ યાત્રિકોની દસ્તાવેજી તપાસ, આરોગ્ય ચકાસણી અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેમને બેઝ કેમ્પની અંદર જ રોક્યા હતા.
રાત્રે લગભગ 2 વાગ્યાથી જ યાત્રિકો બાલતાલ જવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. બસો અને અન્ય વાહનો પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. લાઉડસ્પીકર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી રહી હતી કે યાત્રિકો પોતાના વાહનોમાં બેસી જાય અને કાફલો ટૂંક સમયમાં રવાના થશે. આ જાહેરાતોના કારણે હજારો યાત્રિકો કલાકો સુધી વાહનોમાં બેઠા રાહ જોતા રહ્યા. પરંતુ કાફલાને સત્તાવાર રીતે રવાના કરવા માટે જરૂરી લીલી ઝંડી દર્શાવવાની વિધિ મોડી થતાં સમગ્ર કાર્યક્રમ લંબાયો. ગવર્નર વહેલી સવારે લગભગ 4 વાગ્યે બેઝ કેમ્પ પહોંચ્યા, ત્યારબાદ પૂજા-અર્ચના અને અન્ય ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી. આખરે સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં પ્રથમ કાફલાને લીલી ઝંડી બતાવી સુરક્ષા દળો અને સૈનિકોના કડક બંદોબસ્ત વચ્ચે બાલતાલ તરફ રવાના કરવામાં આવ્યો.
યાત્રિકોનું કહેવું છે કે જો તમામ ચેકિંગ, વાહનો અને સુરક્ષા વ્યવસ્થા અગાઉથી તૈયાર હતી તો માત્ર ઔપચારિક કાર્યક્રમ માટે હજારો લોકોને કલાકો સુધી રાહ કરાવવાની જરૂર શું હતી? વહેલી સવાર સુધી લાંબી રાહ જોવી પડી હોવાથી બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યાત્રાની શરૂઆતથી જ દેખાયેલી આ ઢીલાશે આયોજન અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.


