અમે તારા બાપ-દાદા છીએ : ભાજપ નેતાની કર્મચારી પર દાદાગીરી
વોર્ડ નં.૧3 અને ૮ની બોર્ડર પર ડ્રેનેજની કામગીરી દરમ્યાન કર્મચારી પર રોફ જમાવતા ભાજપ અગ્રણી ગીરીશ પરમાર
અમારૂ કોઇ કંઇ કરી શકશે નહીની શેખી મારી, મવડી મંડળની કાર્યવાહી પર જનતાની નજર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં શાસક પક્ષના નેતાઓ દ્વારા સરકારી કર્મચારીઓ પર રોફ જમાવવાની અને ધમકાવવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના એક ફરજ પરના કર્મચારીને ભાજપના અગ્રણી નેતા ગીરીશ પરમાર દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે કોર્પોરેશનના કર્મચારી આલમમાં ભારે રોષ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના વોર્ડ નંબર ૧૩ અને વોર્ડ નંબર ૮ ની સરહદ પર આવેલા માયાણી ચોક વિસ્તારની છે. ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડ્રેનેજ (ભૂગર્ભ ગટર) લાઇનના સમારકામ અથવા સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ સરકારી ફરજ દરમિયાન જિલ્લા ભાજપના આગેવાન ગીરીશ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને કોઈ બાબતે કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભાજપ નેતા ગીરીશ પરમાર તમામ મર્યાદાઓ ઓળંગીને કર્મચારી પર ગુસ્સે થતા જોવા મળે છે. તેઓ વીડિયોમાં કર્મચારીને ધમકાવતા સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે, “તું મને ઓળખે છે? અમે તારા બાપ છીએ અને અમે તારા દાદા પણ છીએ.” એક જવાબદાર પક્ષના પદાધિકારી દ્વારા સરકારી કર્મચારીને આ પ્રકારે તુચ્છકારીને અને સત્તાના નશામાં ધમકી આપવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિપક્ષ અને સામાન્ય નાગરિકો દ્વારા સત્તાધારી પક્ષના નેતાની આ દાદાગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ મામલે RMCના ઉચ્ચ અધિકારીઓ કે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
અમારૂ કોઇ કહી જ નહી કરી લ્યે તેવી પણ શેખી ગીરીશ પરમારે મારી હતી. ભાજપ નેતાની દાદાગીરીનો વીડિયો વાયરલ થતા ભાજપ મવડી મંડળ પોતાના નેતાના ગેરવર્તન અંગે શું કાર્યવાહી કરશે તે ચર્ચાએ પણ શહેરભરમાં જોર પકડયું હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.
કર્મચારીઓમાં રોષ ફેલાયો
ભરી બજારે અને જાહેરમાં કોર્પોરેશનના નાના કર્મચારીનું અપમાન થવાને કારણે મહાનગરપાલિકાના સ્ટાફમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દિવસ-રાત જનતાની સેવા અને સુવિધા માટે કામ કરતા કર્મચારીઓ સાથે રાજકીય વગ ધરાવતા નેતાઓ આવું વર્તન કરે તે કેટલું યોગ્ય, તેવા સવાલો ઉઠી રહ્યા છે.


