સમય ટ્રેડિંગનું વધુ એક કરોડોનું કૌભાંડ : 58 લાખનું રોકાણ ડૂબાડ્યાની મહિલાની ફરિયાદ
ઊંચા વ્યાજ અને આકર્ષક વળતરની લાલચ આપીને રોકાણ કરાવ્યાનો આક્ષેપ; મહિલા સહિત બે સામે BNS અને GPID એક્ટ હેઠળ ગુનો નોંધવાની DCP ક્રાઈમ સમક્ષ લેખિત ફરિયાદ, અન્ય અનેક રોકાણકારોના પણ કરોડો ફસાયા હોવાનો દાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં ચર્ચાસ્પદ બનેલા ‘સમય ટ્રેડિંગ’ મામલે વધુ એક ગંભીર ફરિયાદ સામે આવી છે. નાનામવા રોડ વિસ્તારમાં રહેતા દિવ્યાબેન પ્રશાંતભાઈ ગાજીપરાએ રાજકોટ શહેરના ડી.સી.પી. (ક્રાઈમ)ને લેખિત અરજી આપી આરોપ મૂક્યો છે કે વર્ષ 2019 દરમિયાન ઓળખાણ અને પારિવારિક સંબંધનો લાભ લઈ ગીતાબેન સંજયભાઈ કાકડીયાએ તેમને સમય ટ્રેડિંગમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. રોકાણ પર ઊંચું વ્યાજ અને આકર્ષક વળતર અપાવવાની ખાતરી આપી તેમની પાસેથી રૂ. 58 લાખ રોકડ સ્વીકારવામાં આવ્યા હતા. શરૂઆતમાં થોડો નફો ચૂકવ્યા બાદ ચુકવણી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, આરોપી ગીતાબેન કાકડીયાએ જણાવ્યું હતું કે પ્રદીપભાઈ ડાવેરાની સમય ટ્રેડિંગ પેઢીમાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે. વિશ્વાસના આધારે દિવ્યાબેન અને તેમના પરિવારે રૂ. 58 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં નફાના કેટલાક હપ્તા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ ન તો મૂળ રકમ મળી અને ન વળતર. અનેક વખત ઉઘરાણી કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળતા રહ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં જાણવા મળ્યું હતું કે સમય ટ્રેડિંગ ચલાવતા પ્રદીપભાઈ ડાવેરા સામે અગાઉ પણ રાજકોટ શહેરમાં અનેક રોકાણકારો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમ છતાં ગીતાબેન કાકડીયા સતત વિશ્વાસ અપાવતા રહ્યા કે, તમે મને રૂપિયા આપ્યા છે, તમારી સંપૂર્ણ જવાબદારી મારી છે અને તમામ નાણા પરત આપી દઈશ. આ વિશ્વાસના કારણે ફરિયાદી લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા, પરંતુ આજદિન સુધી એક પણ રૂપિયો પરત મળ્યો નથી.
અરજીમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે માત્ર ફરિયાદી જ નહીં પરંતુ ગીતાબેન કાકડીયાના માધ્યમથી અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાં દયાબેન ગાજીપરા, તેજસભાઈ ગાજીપરા, જયશ્રીબેન જેઠવા, યોગેન્દ્રસિંહ જાડેજા, અર્ચનાબેન વેકરીયા, જીજ્ઞેશભાઈ ખુંટ, મહેશભાઈ સખીયા, સચીનભાઈ પોકલ, નરેન્દ્રભાઈ અજાણી, નીતા ગોંડલીયા, સતીષભાઈ ગોંડલીયા, રસીલાબેન કેરડીયા, નીલેશભાઈ કેરડીયા, જયેશ કેરડીયા સહિત અનેક લોકોએ લાખોથી લઈને એક કરોડથી વધુ સુધીનું રોકાણ કર્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ફરિયાદમાં જણાવાયું છે કે તમામ રોકાણકારો પાસેથી રોકડમાં મોટી રકમ મેળવી ઊંચું વ્યાજ અને મોટું વળતર આપવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં નાણા પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદીઓના જણાવ્યા મુજબ તેમની જીવનભરની બચત સમાન રકમ ડૂબી ગઈ છે અને અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.
ફરિયાદીઓએ ડી.સી.પી. (ક્રાઈમ)ને રજૂઆત કરી છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો ઉપરાંત ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે. સાથે જ આરોપીઓની મિલકતો જપ્ત કરી ભોગ બનનારાઓની રકમ પરત અપાવવા પણ માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર કૌભાંડમાં હજુ પણ અનેક ભોગ બનનારાઓ બહાર આવી શકે છે. તેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડના વધુ તથ્યો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે પોલીસ આ અરજીના આધારે કઈ દિશામાં તપાસ આગળ વધારે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
ગીતાબેન મારફતે અન્ય રોકાણ કરનારાઓની યાદી
દયાબેન તેજસભાઈ ગાજીપરા, 20,00,000
તેજસભાઈ ગાજીપરા, 40,00,000
જયશ્રીબેન જેઠવા, 18,00,000
યોગેન્દ્રસિંહ જાડેજા, 22,00,000
અર્ચનાબેન વેકરીયા, 16,00,000
જીજ્ઞેશભાઈ ખુંટ, 1,10,00,000
જગદીશભાઈ, 15,00,000
જયદીપભાઈ, 10,00,000
મહેશભાઈ સખીયા, 50,00,000
સચીનભાઈ પોકલ, 30,00,000
નરેન્દ્રભાઈ અજાણી, 35,00,000
નીતાબેન સતીષભાઈ ગોંડલીયા, 15,00,000
સતીષભાઈ જાદવભાઈ ગોંડલીયા, 15,00,000
રસીલાબેન નીલેશભાઈ કેરડીયા, 15,00,000
નીલેશભાઈ જસમતભાઈ કેરડીયા, 10,00,000
જયેશ મનસુખભાઈ કેરડીયા, 10,00,000


