વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો
શાપર પોલીસની બાતમીના આધારે કાર્યવાહી; દેશી બનાવટનું હથિયાર કબ્જે, સપ્લાયર અને હેતુ અંગે તપાસ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં ગેરકાયદે હથિયારો સામે પોલીસે હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. વેરાવળ ગામ નજીક રેલવે ફાટક પાસે શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારી રહેલા આરોપીને પોલીસે દબોચી તેની પાસેથી પિસ્ટલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે હથિયારો રાખતા તેમજ તેનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તે અંતર્ગત શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણાની ટીમ સતર્ક પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરી રહી હતી.
દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે વેરાવળ ગામથી પડવલા તરફ જતા માર્ગ પર આવેલા રેલવે ફાટક પાસે એક વ્યક્તિ ગેરકાયદે હથિયાર સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ વ્યક્તિને રોકી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રકાશ ઉર્ફે પક્કો રણછોડ પરમાર (ઉંમર 31), રહે. શીતળા મંદિર પાસે, પારડી (લોધીકા), મૂળ વતન શેખપર ગામ, તાલુકો મુળી, જિલ્લા સુરેન્દ્રનગર, તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. 10 હજારની કિંમતનું હથિયાર કબ્જે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછ બાદ હવે પોલીસે આરોપી સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું, કોની પાસેથી તેણે પિસ્ટલ મેળવી હતી અને કયા હેતુસર તે પોતાની પાસે રાખી હતી તે સહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તપાસનો વ્યાપ વધાર્યો છે. પોલીસે હથિયાર સપ્લાય કરતી સાંકળ સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરી છે.


