રાજકોટમાં અનોખો કાવ્યયજ્ઞ: ‘સાહિત્ય સેતુ’ દ્વારા એક જ દિવસે, એક જ સમયે ૧૦ શાળાઓમાં ગુંજશે કાવ્યસૂર
૧૧૦ વિદ્યાર્થીઓ મનગમતી કવિતાઓનું કરશે પઠન; ભાગ લેનાર દરેક બાળ કવિને અપાશે પુસ્તકની ભેટ
અગ્ર ગુજરાત, રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા છેલ્લા એક દાયકાથી શહેરમાં સાહિત્યિક પ્રવૃતિને વેગ મળે, યુવા ભાઈઓ બહેનો સાહિત્યિક પ્રવૃતિમાં રસ લેતા થાય તેવા શુભાશયથી વિવિધ સાહિત્યિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત અષાઢ મહિનાના પ્રથમ દિવસે અષાઢશ્ય પ્રથમ દિને શિર્ષક હેઠળ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈઓ બહેનો સાહિત્યિક પ્રવૃતિમાં રસ લેતા થાય, સાહિત્યિક પ્રવૃતિમાં રૂચી વધે તે માટે એક નવતર પ્રયાસ હાથ ધરેલ છે જેમાં તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૬ નારોજ અષાઢ મહિનાના પ્રથમ દિવસે એક જ દિવસે એક જ સમયે શહેરની ૧૦ શાળાઓમાં કવિતા પઠન કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
અષાઢશ્ય પ્રથમ દિન શિર્ષક હેઠળ યોજાનાર કવિતા પઠન કાર્યક્રમ શહેરની સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલ, પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ, કસ્તુરબા વિધાલય, માં આનંદમયી કન્યા વિધાલય, બાઈ સાહેબબા ગર્લ્સ સ્કૂલ, જી.ટી.શેઠ ગર્લ્સ સ્કૂલ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર ૯૩, રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નંબર ૬૪ બી, મધર ટેરેસા પ્રાથમિક શાળા નંબર ૮૮માં યોજાશે. જેમાં દરેક શાળાના ૧૧ છાત્રો પોતાને મનગમતી કવિતાનું પઠન કરશે અને કુલ ૧૧૦ વિધાર્થી ભાઈઓ બહેનો કવિતા પઠન કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. સાહિત્ય સેતુ દ્વારા કવિતા પઠનમાં ભાગ લેનાર તમામ છાત્રોને પુસ્તક ભેટ આપવામાં આવશે.
કવિતા પઠન કાર્યક્રમમાં છાત્રો પોતાની કવિતાનું પઠન તો કરશે પરંતુ દરેક શાળામાં શહેરના કવિ, કવયિત્રીઓ નટવર આહલપરા, જશુબેન બકરાણિયા, પ્રકાશ હાથી, વનિતા રાઠોડ, અંબાલાલ ખાનપરા, ભૂષિત શુક્લ, રમેશ પાચાણી, પ્રદીપભાઈ ભાગ્યોદય, શીતલબેન ભાડેશીયા, દિવ્યા ભૂત, હંસાબેન ભટ્ટ પણ આ સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ પોતાની એક કવિતાનું પઠન કરશે. તેમજ કવિતા પઠન કરનાર છાત્રોને કવિતા પઠન કેવી રીતે કરાય તેમજ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. દરેક શાળામાં સંસ્થાના બે કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. શહેરના કવિઓ, લેખકો, સર્જકો, સાહિત્યપ્રેમીઓને કવિતા પઠનના કાર્યક્રમમાં કોઈ પણ એક શાળામાં ઉપસ્થિત રહીને કવિતા પઠન કરનાર છાત્રોને પ્રોત્સાહિત કરવા સ્નેહભર્યું નિમંત્રણ છે.
સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુ પરિવારના અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, પંકજ રૂપારેલિયા, હસુભાઈ શાહ, નૈસધભાઈ વોરા, ઉપમન્યુભાઈ રાવલ, પરિમલભાઇ જોશી, રમેશ શિશાંગીયા,દિનેશભાઈ ગોવાણી, મહેશ પરમાર, નયન ગંધા,મહેશભાઈ વ્યાસ, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, મહેશ જીવરાજાની, દક્ષિણભાઈ જોષી વગેરે કાર્યરત છે.


