અમદાવાદથી લકઝરી કાર ભાડે લાવી રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા બે તસ્કરો ઝડપાયા
દિવસે બંધ મકાનોની રેકી, રાત્રે તાળા તોડી ચોરી; ક્રાઈમ બ્રાન્ચે 11.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બે ઘરફોડનો ભેદ ઉકેલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી સુનિયોજિત રીતે ઘરફોડ ચોરીઓને અંજામ આપતી બે સભ્યોની તસ્કર બેલડીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બે મહત્વના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે અમદાવાદથી લકઝરી કાર ભાડે મંગાવતા, દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોની રેકી કરતા અને રાત્રિના સમયે તક મળતાં તાળા તોડી કિંમતી સામાન ચોરી ફરાર થઈ જતા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના, એલઈડી ટીવી, સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ.11.47 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા (ઉ.વ.26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.33)ને ઝડપી લેવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન બંનેએ જૂન મહિનામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે ઘરફોડ ચોરીની કબૂલાત આપી હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ.56,634ની રોકડ રકમ, ચાંદીની નોટ, ચાંદીના સિક્કા, 16 સોનાની લગડી, સોનાની બુટી, એલઈડી ટીવી તથા સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ.11,47,234નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદથી ભાડે લાવવામાં આવેલી કારમાં રાજકોટ આવતા હતા. દિવસ દરમિયાન તેઓ શહેરમાં ફરી બંધ મકાનો શોધી તેમની હિલચાલ પર નજર રાખતા અને રાત્રે અનુકૂળ સમય મળતાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. એટલું જ નહીં, પૂછપરછમાં તેમણે અગાઉ પોલીસ પુત્રની ઓફિસમાં થયેલી લોકર ચોરીમાં પણ પોતાની સંડોવણી સ્વીકારી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ કેસમાં એક મહત્વની બાબત એ પણ સામે આવી છે કે પોલીસ પુત્રની ઓફિસમાં થયેલી ચોરીના ગુનામાં ગાંધીગ્રામ પોલીસે થોડા સમય અગાઉ બંને આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. જો તે સમયે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હોત તો આ બંને ઘરફોડના ગુનાઓનો ભેદ પણ વહેલો ઉકેલાઈ શક્યો હોત અને વધુ મુદ્દામાલની વસૂલાત થવાની શક્યતા હતી. જોકે બાદમાં ક્રાઇમ બ્રાન્ચે અલગથી તપાસ હાથ ધરી આરોપીઓની સંડોવણી બહાર લાવી વધુ કાર્યવાહી કરી છે.
આ તસ્કરોએ કરેલી પ્રથમ ચોરી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં કરી હતી. અહીં રહેતા અને હાલ દુબઈમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રમેશલાલ જીવનભાઈ ગાધેરેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારજનોએ મકાનમાં તાળા તૂટેલા અને સામાન વેરવિખેર હાલતમાં જોઈ જાણ કરતા તેઓ દુબઈથી રાજકોટ આવ્યા હતા. તપાસમાં ઘરમાંથી એક ગ્રામના 14 સોનાના બિસ્કીટ, સોના-ચાંદીના સિક્કા, રૂ.4.75 લાખ રોકડ તથા એલઈડી ટીવી સહિતનો કિંમતી સામાન ચોરાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. બીજી ચોરી રૈયા ચોકડી નજીક રાવલનગર વિસ્તારમાં કરી હતી. પાનના હોલસેલ વેપારી અનિલભાઈ ઈશ્વરભાઈ પટેલ પોતાના ઘરને તાળું મારી દુકાને ગયા હતા. રાત્રે પરત ફરતાં સેફ્ટી ડોર ખુલ્લો અને રસોડાની બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી. તપાસ કરતાં રૂ.4 હજારની રોકડ, સોનાની બુટી, ચાંદીના દાગીના, બાળકોની વીંટી, કી-ચેઈન સહિત અંદાજે રૂ.62 હજારનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ હાલ આરોપીઓ પાસેથી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાય તેવી સંભાવના ધ્યાને રાખી સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે બંને આરોપીઓએ રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાં પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરીઓને અંજામ આપ્યો હોઈ શકે છે.


