જેતપુરમાં હિસાબ માંગવો ભારે પડ્યો! ગેસ ડિલિવરી મેનને પૂર્વ માલિકોએ ઢોર માર માર્યો
બિલ બાબતે પૂર્વ માલિકોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર વિસ્તારમાં ગેસ ડિલિવરીના કામકાજ બાબતે જૂની અદાવત રાખી બે શખ્સો દ્વારા યુવાનને માર માર્યાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં રહેતા અને હાલ ગેસ ડિલિવરીનું કામ કરતા રાજદીપસિંહ જોરૂભા રાણાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આજ રોજ ૧૩ જુલાઈના સવારના સમયે જેતપુર-નવાગઢ પાસેના સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પહોંચ્યા હતા. ફરિયાદી ત્યાં પોતાની કંપનીની ગેસ ભરેલી ગાડીમાંથી ડિલિવરીના બિલો લેવા માટે ગયા હતા.
આ સમયે ફરિયાદીના અગાઉના ગેસ એજન્સીના માલિક દિનેશભાઈ પાદરીયા અને તેમના ભત્રીજા પીન્ટુભાઈ પાદરીયા ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પાસેથી ડિલિવરીના બિલો બળજબરીથી પડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ફરિયાદીએ બિલો આપવાની ના પાડી, ત્યારે આરોપીઓએ તેમને ગાળો આપી અને ધમકી આપી હતી કે, “અમે તને અહીં ગેસ એજન્સીની ડિલિવરીનું કામ કરવા દઈશું નહીં.”
ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમની સાથે ઝપાઝપી કરી હતી અને ઢીકા-પાટુંનો માર મારી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, બંને આરોપીઓએ ફરિયાદીને “આજે તો તને જાનથી મારી નાખવો છે” તેવી ગંભીર ધમકી આપી હતી. હુમલા બાદ ફરિયાદી તરત જ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપી દિનેશભાઈ પાદરીયા અને પીન્ટુભાઈ પાદરીયાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો (૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


