સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતાઓ વચ્ચે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું
રોહિતસિંહની રજૂઆત બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હલચલ : શિક્ષણ વિભાગ હરકતમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું અચાનક રાજીનામું આવી દેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા વ્યવસ્થા, પરિણામોમાં વિલંબ અને વહીવટી ગેરવ્યવસ્થાને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રી સમક્ષ પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા અંગે વિગતવાર રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના અનેક મુદ્દાઓ દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રીને કરેલી રજૂઆત દરેક મુદ્દે કોંક્રિટ માહિતી અને દસ્તાવેજી આધાર સાથે કરવામાં આવી હતી, જેને શિક્ષણ વિભાગે ગંભીરતાથી નોંધમાં લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષણમંત્રીએ રજૂઆતને વ્યક્તિગત ધ્યાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અને વહીવટી વ્યવસ્થા અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટનાક્રમ બાદ કુલપતિએ ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહ પાસેથી રાજીનામું લઈ લીધું હોવાનું જાણવા મળે છે. જોકે, મનીષ શાહે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમણે સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુક્તિ માંગતા રાજીનામું આપ્યું છે.
રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, સમગ્ર શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ કરાવવામાં આવે તેમજ વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
આ સમગ્ર ઘટનાક્રમને પગલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં શું ફેરફારો થાય છે તેના પર વિદ્યાર્થીઓ અને શિક્ષણજગતની નજર મંડાયેલી છે.


