વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે શહેર પોલીસની કડક કાર્યવાહી; અત્યાર સુધી આઠ આરોપીઓ પાસેથી 21 દેશી પિસ્તોલ અને 32 જીવતા કારતૂસનો જથ્થો ઝડપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગેરકાયદેસર હથિયારોના જાળાને નેસ્તનાબૂદ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.દ્વારા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશમાં વધુ એક મહત્વની સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે પી.સી.બી.ની ટીમે ગેરકાયદેસર હથિયારોના વેપાર સાથે સંકળાયેલા વધુ બે શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબજે કર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ અગાઉ “વેપન કાર્ટેલ” સાથે સંકળાયેલા છ આરોપીઓને ઝડપી તેમના કબજામાંથી કુલ 18 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ કેસની વધુ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી પ્રદીપ કરપડાએ અગાઉ એક દેશી પિસ્તોલ અને કારતૂસ આરીફ ગફારભાઈ પઠાણને આપ્યાનું કબૂલ્યું હતું. બીજી તરફ આરોપી શકીલ સાદીક મન્સુરીએ જયપાલ રાજેશભાઈ ડેડાણીયાને ગેરકાયદેસર દેશી હથિયારો આપ્યાની માહિતી પોલીસને આપી હતી. આ બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે બંને શખ્સોને શોધી કાઢી તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ કબજે કર્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ગંજીવાડા મેઈન રોડ, મસ્જિદ ચોક વિસ્તારમાં રહેતો 34 વર્ષીય આરીફ ગફારભાઈ પઠાણ તેમજ ન્યુ વેલનાથપરા વિસ્તારમાં રહેતો 29 વર્ષીય જયપાલ રાજેશભાઈ ડેડાણીયાનો સમાવેશ થાય છે. બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી બાદ અત્યાર સુધી પી.સી.બી. દ્વારા ગેરકાયદેસર હથિયારોના વેપારમાં સંડોવાયેલા કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ 21 દેશી બનાવટની પિસ્તોલ અને 32 જીવતા કારતૂસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્ક મારફતે શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થતું હતું. તેથી સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી આરીફ પઠાણ સામે અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી, એટ્રોસિટી, સાયબર ક્રાઇમ, ધાકધમકી, મની લેન્ડિંગ એક્ટ સહિત વિવિધ પ્રકારના કુલ દસ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે જયપાલ ડેડાણીયા સામે પણ મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ મળી કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં બહાર આવ્યું છે. બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ તેમના અન્ય સંપર્કો અને હથિયારોના સ્ત્રોત અંગે પણ ઊંડી તપાસ ચલાવી રહી છે.
પી.સી.બી.ના અધિકારીઓનું માનવું છે કે આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારોના સપ્લાય ચેઇનને મોટો ફટકો પડ્યો છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે સઘન અભિયાન ચાલુ રહેશે.
આ સમગ્ર કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા પી.સી.બી.ની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા ગેરકાયદેસર હથિયારો અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.


