12મી એશિયન એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ગુજ્જુનું હિર ઝળકયું
પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હીર પિત્રોડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
50મી.ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ 23.20ના સમયમાં પૂર્ણ કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
પહેલી જ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ભાગ લઇ રાજકોટના હીર સુનિલભાઇ પિત્રોડાએ દેશ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જ થાઇલેન્ડના બેંગકોક ખાતે 12મી એશિયન એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. અગાઉ સબ જૂનિયર તેમજ જૂનિયર કક્ષાએ રાષ્ટ્રીય સ્તરે 16-16 મેડલ મેળવી ચૂકેલા અને હાલ ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં અભ્યાસ કરતા રાજકોટના હીર પિત્રોડાએ સિનિયર નેશનલમાં 50મી.ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જેને કારણે હીરને પહેલી જ વખત ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. હીરે તનતોડ મહેનત કરી પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 50મી.ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં જોડાયો હતો. નાની ઉંમરે હીરે તેની ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી 50મી.ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ 23.20ના સમયમાં પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જોકે, હીરની પ્રથમ જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હોવાથી તે હોંગકોંગના પ્રતિસ્પર્ધીથી માત્ર 41 માઇક્રોસેકન્ડ પાછળ રહી જતા સિલ્વર મેડલથી વંચિત રહેવું પડયું હતુ. પહેલી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મહેનત અને પ્રતિભાને સાબિત કરી બતાવી મેડલ મેળવનાર હીરને રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના હોદેદારોએ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.


