રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા
ગંભીર રીતે ઈજા થતાં સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ થયાની દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા એક પંજાબી ઢાબામાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ગંભીર ધટનામાં ઢાબાના સંચાલક સહિત કુલ ૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ધટના પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. મળતી માહિતી મુજબ, હિંડોરણા ગામે આવેલા ‘સતનામ’ નામના પંજાબી ઢાબામાં રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગેસ સિલિન્ડરમાં અચાનક લીકેજ થતાં જોતજોતામાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે ત્યાં હાજર લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને બ્લાસ્ટ થતાં ૬ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં ૧. કમલજીતસિંહ ગુરૂદેવસિંહ રહેલ ઉં.વ. ૪૬, રહે.લુધીયાણા, ૨. ઠગ બહાદુર શિવાબહાદુર શત્રી,ઉં.વ. ૪૮, રહે.નેપાળ, ૩. નંદસિંગ નારાયણસિંગ તરખાણ ઉં.વ. ૬૦, રહે.પંજાબ, ૪. શામુભાઇ તેરસિગ નાયક ઉં.વ. ૪૨, રહે. પંજાબ, ૫. હેતલબેન નાથાભાઇ શિયાળ ઉં.વ. ૨૮, રહે. હિંડોરણા, ૬. કરણ સંતોષભાઈ ભોપ ઉં.વ. ૧૭, રહે. હિંડોરણા આમ કુલ છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજુલાની ખાનગી શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.


