જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
છ મિત્રો ન્હાવા ગયાને બે યુવાનને કાળ ભેટયો
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાર પાટ ચેકડેમ ખાતે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં ન્હાવા પડેલા પાંચથી છ મિત્રો પૈકી બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંનેના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાર પાટ ચેકડેમાં મૃતક વસીમ પરમાર (ઉંમર વર્ષ ૨૦) અને કાદિર ડોઢિયા (ઉંમર વર્ષ ૧૭, રહે. બંને જેતપુર) પોતાના અન્ય પાંચથી છ મિત્રો સાથે નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. જોકે, પાણીની ઊંડાઈ અને પ્રવાહનો અંદાજ ન આવતા વસીમ અને સગીર કાદિર અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાનો ફાયર વિભાગનો કાફલો અને સ્થાનિક કુશળ તરવૈયાઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનો અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ ચેકડેમના પાણીમાંથી બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
આ બનાવની જાણ થતાં જ જેતપુર પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એકસાથે બે યુવાનોના ડૂબી જવાથી મોત થતાં ઘટનાસ્થળે મૃતકોના સ્વજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ કરુણ બનાવને પગલે બંને યુવાનોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે.


