ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર
૨૨ જળાશય હાઇએલર્ટ, ૮ એલર્ટ અને ૧૧ વોર્નિંગ પર, ૧૫ ડેમ સંપૂર્ણ ભરાયા : ૨૦૭ જળાશયમાં ૫૮.૬૫ ટકા જથ્થો ઉપલબ્ધ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં જ ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી પાણી આવક વધી છે. હાલ ઉપરવાસમાંથી ડેમમાં 1,12,722 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની સપાટી 130.47 મીટર પર પહોંચી છે.
સિઝનમાં પ્રથમવાર ડેમ 130 મીટરની ઉપરની સપાટીએ પહોંચ્યો છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.5 મીટરનો ધરખમ વધારો નોંધાતા રાજ્ય માટે આનંદના સમાચાર છે. હાલ નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 74.46% ભરાયેલો છે.
1 ઓગસ્ટ, 2026ની સવારની છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના કુલ 207 ડેમમાં કુલ ક્ષમતાના 58.65% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમને બાદ કરવામાં આવે તો બાકીના 206 ડેમમાં કુલ 49.19% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમને બાદ કરતા રાજ્યના મુખ્ય 206 ડેમમાંથી 15 ડેમ આજની તારીખમાં સંપૂર્ણ ભરાયેલા છે.
ઝોન પ્રમાણે રાજ્યના મુખ્ય ડેમોની સ્થિતિ મુજબ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 40.09% પાણી છે. આ ઝોનનો એક પણ ડેમ સંપૂર્ણ ભરાયેલો નથી. મધ્ય ગુજરાતના 17 ડેમમાં કુલ 52.59% પાણી છે. જેમાંથી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય 17 ડેમમાંથી 7 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. 17 ડેમ 51.69% ભરાયેલા છે. કચ્છના 20 ડેમમાં કુલ 24.74% ટકા પાણી સંગ્રહાયેલું છે. વિસ્તારનો એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં કુલ 47.65% ટકા પાણી છે. આખા વિસ્તારમાંથી માત્ર એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 74.46% ટકા ભરાયેલો છે.
રાજ્યમાં 15 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં 22 ડેમમાં 90 ટકા કરતા વધારે પાણી. આ ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 8 ડેમમાં 80થી 90 ટકા પાણી. આ ડેમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 11 ડેમમાં 70-80 ટકા પાણી. આ ડેમ વોર્નિંગ પર છે. 165 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનો વાંસલ, ભાવનગરનો રોજકી, માલણ, શેત્રુંજી, રંગોળા, અમરેલીનો સુરજવાડી, ખોડીયાર, ધાતરવાડી-૨, રાયડી, કચ્છનો ફતેહગઢ, મોરબીનો મચ્છુ-૨, ઘોડાધ્રોઇ અને બોટાદનો ખાંભડા, રાજકોટનો ભાદર-૨, લાલપરી, આજી-૨, ગીર સોમનાથનો રાવલ, ભાવનગરનો પિંગલી, એલટર્ઠ અને ભાવનગરનો ખારો રાજાવલ, હનોલ, અમરેલીનો શેલ-ડેડુમલ, બોટાદનો કાળુભાઇ, કાણીયાદ, પોરબંદરનો સરન, જૂનાગઢનો બાંટવા-ખારો અને કચ્છનો કાલાઘોઘા ડેમ વોર્નિંગમાં મૂકાયો છે.
1 ઓગસ્ટ સવારે છ વાગ્યાની સ્થિતિ જોઈએ તો ઝોન પ્રમાણે સૌથી ઓછો વરસાદ કચ્છ વિસ્તારમાં નોંધાયો છે. અહીં સિઝનનો માત્ર 20.67 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 46.76 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો 62.16 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 48.81 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધારે 91.35 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી પડેલો સરેરાશ વરસાદ 64.76 ટકા છે.


