AIIMS પહોંચતા મણકા ખસી જાય તેવો રસ્તો, પાંચ ફૂટના ગાબડાનો આક્ષેપ
પરાપીપળીયાથી હોસ્પિટલ સધી જતા મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલત: દર્દી-વાહન ચાલકોને ભારે હાલાકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના પરાપીપળીયા ગામ પાસે આવેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. પરાપીપળીયા ગામના આ રસ્તા પર 5 ફૂટથી પણ મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે. દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ, વિઝિટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ સારવાર અર્થે આ રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ મસમોટા ખાડાઓના કારણે દર્દીઓ અને એમ્બ્યુલન્સની અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોડની નબળી ગુણવત્તાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે રસ્તો એટલી હદે બિસ્માર થઈ ગયો છે કે વાહનોના જમ્પર તૂટી જાય છે અને ચાલકોની કમર ભાંગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગંભીર હાલતમાં ઈમરજન્સીમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે આ ખાડાઓ આશીર્વાદરૂપ બનવાને બદલે પીડાજનક સાબિત થઈ રહ્યા છે. તદુપરાંત ખાડાના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.
ખરાબ રોડની ગંભીર સમસ્યાને લઈને હવે સ્વપક્ષના નેતાઓ પણ તંત્ર સામે મેદાને આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ આ મામલે માર્ગ અને મકાન વિભાગ (R&B) ના અધિકારીઓને સત્તાવાર પત્ર લખીને કડક રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે પરાપીપળીયાથી AIIMS હોસ્પિટલ સુધીના આ મુખ્ય રસ્તાનું રિપેરિંગ અને સમારકામ કરવાની માંગ કરી છે. નાગદાન ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો જનહિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


