દીવમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’નો પ્રારંભ:
આંતરરાષ્ટ્રીય યુવા દિને ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો; યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ ભારત નિર્માણમાં યોગદાન આપવા અપીલ
અગ્ર ગુજરાત, દીવ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત સમગ્ર દેશમાં જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત દીવ સેવાકેન્દ્ર દ્વારા ૧૨ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળોએ નશામુક્તિ અને સકારાત્મક જીવનશૈલી અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બ્રહ્માકુમારી ગીતાબેને વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૦ કરોડથી વધુ નાગરિકો સુધી નશામુક્તિનો સંદેશ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે આ મહાઅભિયાનનો શુભારંભ રવિવાર, ૨ ઓગસ્ટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમગ્ર અભિયાન બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણીજીની ૧૯મી પુણ્યતિથિને સમર્પિત છે.
૧૨ ઓગસ્ટે ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે દીવની પોલિટેકનિક કોલેજ ખાતે “યુવા શક્તિ – આત્મિક શક્તિ” વિષય પર ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નિતિનભાઈ ગજવાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તૃપ્તિબેને સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કર્યા હતા. મુખ્ય વક્તા અને દીવ સેવાકેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેને યુવાનોને પોતાની આંતરિક શક્તિઓ ઓળખી તેને સન્માર્ગે વાળવાની યુક્તિઓ જણાવી હતી. વિડિયો ક્લિપ અને પ્રેરણાત્મક વ્યાખ્યાન દ્વારા યુવાનોને નશાની બદીથી દૂર રહેવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
અભિયાન અંતર્ગત દીવની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, જિલ્લા તથા ગ્રામ પંચાયતો અને સામાજિક સંસ્થાઓમાં માનસિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલી માટે., નશાની શારીરિક અને સામાજિક આડઅસરો અંગે માહિતીના કાર્યક્રમો યોજાશે.
કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારી ગાયત્રીબેને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફને નશામુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આયોજકો દ્વારા દરેક નાગરિકને ઓછામાં ઓછા ૫૦ અન્ય લોકોને આ અભિયાનમાં જોડીને ‘નશામુક્ત અને વિકસિત ભારત’ના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.


