ટેકનોલોજીની મદદથી શાપર પોલીસે ૬.૭૧ લાખના ચોરાયેલા મોબાઇલ શોધી કાઢયા
મજૂર અને ગરીબ લોકોના કિંમતી ગણાતા મોબાઇલ મળી આવતા શાપર પોલીસે માનવતા મહેકાવી
અગ્ર ગુજરાત, શાપર-વેરાવળ
શાપર વિસ્તારમાં અગાઉ અલગ-અલગ કારણોસર પોતાના કિંમતી ફોન ગુમાવી ચૂકેલા નાગરિકોની અરજીઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ મામલાઓ ને ગંભીરતાથી લઈને શાપર પોલીસ મથકના પી.આઈ. અને તેમની ટીમે અત્યાધુનિક ટેક્નોલોજી અને ‘સી.ઇ.આઈ.આર’ પોર્ટલ નો ઉપયોગ કરીને એક ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસની આ સતત મહેનત રંગ લાવી હતી અને અવ્વલ દરબારના સ્માર્ટ ફોન્સ સહિત જુદી જુદી બ્રાન્ડના કુલ ૩૨ નંગ ગુમ થયેલા ફોન શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. આ તમામ ગેજેટ્સ ની કુલ બજાર કિંમત આશરે રૂપિયા ૬,૭૧,૫૩૨ જેટલી થવા જાય છે.
રાજ્યના પોલીસ વડાના ‘તેરા તુજ કો અર્પણ’ અભિયાન અંતર્ગત, પોલીસે કાળજીપૂર્વક આ તમામ મોબાઈલ ફોન શોધીને તેના અસલી હકદારો ને રૂબરૂ બોલાવીને સન્માનપૂર્વક પરત સોંપ્યા હતા. વર્ષો પહેલા કે મહિનાઓ અગાઉ ખોવાઈ ગયેલા પોતાના મોંઘા સેટ્સ અચાનક પાછા મળતા અરજદારોની ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો.
આ સરાહનીય કામગીરી શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. રાણા તથા એ.એસ.આઇ. ડી.આર. સરવૈયા, પો.હેડ કોન્સ. દિનેશભાઈ ખાટરીયા, પ્રતિપાલસિંહ રાણા, અરવિંદભાઈ ઝાપડિયા, પો.કોન્સ. મનસુખભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ શામળા તથા જી.આર.ડી. ધવલભાઈ જોખિલ અને ઉદયભાઈ ચાવડા વગેરે દ્વારા કરવામાં આવેલ છે.


