કોઠારીયા કોલોનીમાં વૃક્ષ છેદન અને વોંકળા પરના બાંધકામના વિરોધમાં ધરણાં
કમિશ્નર જવાબ નહીં આપે ત્યાં સુધી દર મહિને વોર્ડ ૧૪માં નટેશ્વર ધામની સામે ધરણાનું એલાન: વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અને વોકળા પર બાંધકામ મુદ્દે આંદોલન ઉગ્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 14માં તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા અંદાજે 42 કરોડના ખર્ચે બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે જેમાં કોઠારીયા કોલોની અને વાણીયાવાડી (જુનો પારડી માર્ગ) વચ્ચે આવેલ વોકળા ઉપર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન નું નિર્માણ થવાનું હોય પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષ છેદન અને વોકળા ઉપરના બાંધકામના પગલે લોકોમાં તીવ્ર નારાજગી અને લોકરોષ ભભૂકયો છે. અધિકારીઓ પ્રોજેક્ટ દરમિયાન જ્યારે પણ આવે ત્યારે મહિલા મંડળની ટીમો દ્વારા તેનો વિરોધ કરી થાળી વગાડવાનો આંદોલન યથાવત રખાયા બાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયર ને કરેલી ઇનવર્ડ નંબર ૧૯૧૭ તારીખ :- ૦૭/૦૮/૨૦૨૬, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને સીટી ઇજનેરને પણ તારીખ :- ૧૨/૦૮/૨૦૨૬ના લેખિત રજૂઆતો કરવામાં આવી હતી તે તમામ *રજૂઆતો તુમારશાહીનો ભોગ બનતા* કોઠારીયા કોલોની યુવા ગ્રુપ ને કોઈપણ પ્રકારનો હકારાત્મક કે નકારાત્મક જવાબ લેખિતમાં ન આપાતા યુવા ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના જાગૃત નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ અને લતાવાસીઓ દ્વારા જ્યાંથી પ્રોજેક્ટ શરૂ કરવાનો છે તે વોર્ડ નંબર 14 માં, 80 ફૂટ રોડ પર, નટેશ્વર ધામની સામે, ભોલેબા સિલેક્શન ની બાજુમા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તેમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન રામધૂન અને કમિશનરને સદબુદ્ધિ આપે એટલા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. *વૃક્ષો કોઈ પણ સંજોગોમાં કપાશે તો જોયા જેવી થશે એવી ચીમકી ઉચ્ચારી હતી*. આશ્ચર્યની બાબત તો એ છે કે જે જગ્યાએ કોમ્યુનિટી હોલ નું નિર્માણ થવાનું છે ત્યાંથી ફક્ત અડધો કિલોમીટર એ જ માર્ગ પર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બે માળનો કોમ્યુનિટી હોલ રણછોડદાસજી બાપુ હોલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને રજૂઆતની ભાષા સમજાતી ન હોય અને આંદોલનની જ ભાષા સમજાતી હોય જે પગલે જનતાએ આજથી ધરણા નો કાર્યક્રમ યોજયો હતો અને આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમો આપીને હવે આંદોલનની ભાષા રાજકોટ મહાનગરપાલિકાને સમજાવી દેશુ. ગજેન્દ્રસિંહ ઝાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે તો હજુ ટ્રેલર બતાવેલ છે પુરુ પિક્ચર કમિશનરના બંગલાની સામે બતાવવાની તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ જે સ્થળે પ્રોજેક્ટ નું નિર્માણ કરવાનું છે તે સ્થળે વૃક્ષોને નંબર આપેલા છે તેમાંથી પ્રોજેક્ટ દરમિયાન કયા કયા વૃક્ષો નું છેદન કરાશે અને 75 માંથી કુલ કેટલા વૃક્ષો ની હત્યા કરવામાં આવશે અને કયા કયા નંબરના વૃક્ષોની કતલ કરવામાં આવશે તેની સ્પષ્ટતા કમિશનર લેખિતમાં કરવી પડશે. તેમજ સીટી ઇજનેર દ્વારા બોક્સ કલવર્ટ દ્વારા બાંધકામ કરી વિસ્તારમાં પાણી નહીં ભરાય તેની ખાતરી લેખિતમાં આપવી પડશે અન્યથા દર મહિને આ સ્થળે ધરણા યોજવામાં આવશે તેવું લતાવાસીઓના ઠરાવમાં જણાવાયું છે એટલું જ નહીં જરૂર પડે કમિશનરની શાન ઠેકાણે લાવવા આગામી દિવસોમાં માસ્તર સોસાયટી, વાણીયાવાડી, ગોપાલ નગર, ગાયત્રીનગર, હસનવાડી, ગુલાબ નગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને સાથે જોડી કમિશનરના બંગલે પણ ધરણાનો કાર્યક્રમ કરતા કોઈ રોકી નહી શકે. યુવા ગ્રુપના વડીલ પૂર્વ ફૌજી નટુભા નારુભા ઝાલા દ્વારા પોલીસ કમિશનરને 10/8 ધરણા કરવા અંગેની મંજૂરી માંગવામાં આવી હતી છતાં આજ દિન સુધી મંજૂરી આપવામાં આવી નહોતી અરજદાર નટુભા ના નિવેદન સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પણ મંજૂરી ટલ્લે ચડાવવામાં આવી હતી. પરંતુ આંદોલનકારીઓએ નક્કી કરેલ હતું કે પોલીસ મંજૂરી આપે કે ન આપે ધરણા નો કાર્યક્રમ યોજવા મન મક્કમ કરી લીધું હતું જે પગલે ધરણાના દિવસે બપોરે 2:00 વાગે ધરણાના કાર્યક્રમને મંજૂરી આપી હતી. *જબ જબ ભાજપ ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ.
કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઓએ પોતાના ગળામાં આકર્ષક સુત્રો લખ્યા હતા જેમાં બાંધકામ તમારું મોત અમારું ? -75 વૃક્ષો, મારો રસ્તો રોકશો તો હું તમારો રસ્તો રોકીશ ! -વરસાદી પાણી, જો જશે જંગલ તો થશે દંગલ, અમારો શું વાંક ? અબોલ છીએ એટલે ? -75 વૃક્ષો, અમે તમારા સંતાન અમારી ઉપર જ કરવત ? -75 વૃક્ષો, પ્લીઝ સત્તાધીશોને સમજાવો, અમારી સોસાયટીને બચાવો ! -75 વૃક્ષો, અમારા મકાનો ઉપર પણ ડિમોલિશન ? -સેકળો પશુ પંખીઓ અનેક સૂત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા 80 ફૂટ રોડ ઉપર નટેશ્વર ધામ મંદિર સામે યોજાયેલા ધરણા દરમિયાન ત્યાંથી 80 ફૂટ ના રોડ પર થી પસાર થતા નાગરિકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા.
ધરણાના કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, જાગૃત નાગરિક ગજેન્દ્રસિંહ ઝાલા, પર્યાવરણ પ્રેમી પ્રવીણભાઈ લાખાણી, હબીબભાઈ કટારીયા, કમલેશભાઈ જોટંગીયા, મગનભાઈ પટેલ એડવોકેટ ઈન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, નાનુભાઈ બોરીચા, જીતુભા જાડેજા, વિજયભાઈ ગોહેલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, ભરતસિંહ જાડેજા, અલ્પેશભાઈ ભીમજીયાણી, નટવરસિંહ સરવૈયા, મહેશભાઈ ચોટલીયા, સતિષભાઈ માણેક, શક્તિસિંહ ઝાલા, જીતુભાઈ કોટેચા, અશોકભાઈ બુટાણી,લીલાધરભાઇ અખિયાણી, પ્રકાશભાઈ આખીયાણી, વિક્રમભાઈ ગોહેલ, કાંતિભાઈ ભુત, રૂપચંદભાઈ ખત્રી, કમલેશભાઈ પારેખ બહેનોમાં પારુલબેન ગોહેલ, રસમિતાબેન મહેતા, સોનલબેન વાઘેલા, સોનલબેન મોરી, નયનાબેન પરમાર, જયશ્રીબેન વસાણી, ભાવનાબેન ચોટલીયા, જ્યોતિબેન કથરેચા, ભાવનાબેન પરમાર, હસીનાબેન સિપાઈ, જયશ્રીબેન ઉનડકટ સહિતના બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


