મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી
વિવિધ વિષય અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
મંત્ર ફાઉન્ડેશનના સ્પેશિયલ બાળકો માટે તા. 13 ઓગસ્ટના રોજ ઔદ્યોગિક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત અંતર્ગત બાળકોને મોરબીની પ્રતિષ્ઠિત સર્વોત્તમ ડેકોરની મુલાકાત કરાવવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન બાળકોએ ઉદ્યોગની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તથા વિવિધ વ્યવહારુ બાબતો વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડવા માટે આવી શૈક્ષણિક મુલાકાત બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી.
આ પ્રસંગે મંત્ર ફાઉન્ડેશનના ટ્રસ્ટી બીજલ હરખાણીએ શૈલેષભાઈ અઘેરા અને મયુરભાઈ પીપળવાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “બાળકોના ઔદ્યોગિક શૈક્ષણિક પ્રવાસમાં આપના સહયોગથી બાળકોને પ્રેક્ટિકલ નોલેજ અને ઉદ્યોગજગતનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો છે. આવા અનુભવો બાળકોના આત્મવિશ્વાસ અને વ્યવહારુ જ્ઞાનના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” મંત્ર ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આવી શૈક્ષણિક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓનું આયોજન સતત કરવામાં આવે છે.


