વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક
પાયલટ પ્રોજેકટ અમલમાં મૂકવા કેન્દ્ર સરકારને સર્વોચ્ચ અદાલતનો આદેશ : ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવનાર સામે કડક વલણ
અગ્ર ગુજરાત, અમદાવાદ
કાયદેસરના વીમા વિના વાહન ચલાવનારાઓ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને એક એવો પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા કહ્યું છે, જેમાં માન્ય વીમો ન હોય તો પેટ્રોલ પંપ પરથી વાહનને ઇંધણ જ ન મળે. કોર્ટે કહ્યું કે આની શરૂઆત દિલ્હીથી કરી શકાય છે. બુધવારે આ મામલો જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ સમક્ષ આવ્યો હતો.
કેન્દ્ર તરફથી રજૂ થયેલા વકીલે સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના આદેશનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલયને આ વ્યવસ્થાને લઈને કેટલીક ચિંતાઓ છે. આના પર બેંચે સ્પષ્ટ કહ્યું, ‘તમારે આ લાગુ કરવું જ પડશે. પાયલટ પ્રોજેક્ટ દિલ્હીથી શરૂ કરી શકાય છે.’
કેન્દ્રના વકીલે જણાવ્યું કે આ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ પંપ ડીલરો સાથે બેઠક કરવી પડશે. આના પર કોર્ટે કહ્યું, ‘તમે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરો.’ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એક મજબૂત પ્રસ્તાવ રજૂ કરવા પણ કહ્યું છે. તેમાં 4 ઓગસ્ટના ચુકાદામાં આપવામાં આવેલા નિર્દેશોને લાગુ કરવાની સમયમર્યાદા જણાવવી પડશે. કેસની આગામી સુનાવણી 21 ઓગસ્ટે થશે.
સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થાના બે મોટા ફાયદા જણાવ્યા હતા. પહેલું, આનાથી વીમા વગરના કે રજીસ્ટ્રેશન વગરના વાહનોની ઓળખ કરવામાં મદદ મળશે. બીજું, વાહન માલિકો પર માન્ય વીમો કરાવવાનું દબાણ બનશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આ પ્રકારના પ્રોજેક્ટથી મોટર વાહન અધિનિયમની કલમ 146ની જોગવાઈઓનું જમીની સ્તરે પાલન સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આ માટે ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરાનો ઉપયોગ કરી શકાય છે.
4 ઓગસ્ટના ચુકાદામાં શું કહેવામાં આવ્યું હતું?
સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટે આપેલા પોતાના ચુકાદામાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિના રસ્તાઓ પર દોડતા મોટી સંખ્યાના વાહનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે એક પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે. જેમાં વાહનોને મળતા ઇંધણને તેમના માન્ય વીમાની સ્થિતિ સાથે જોડવામાં આવે. એટલે કે જો કોઈ વાહનનો માન્ય વીમો ન હોય, તો પેટ્રોલ પંપ પર તેને ઇંધણ આપવામાં ન આવે. વાહન માલિકે પહેલા કાયદેસરનો વીમો લેવો પડશે. ત્યાર પછી જ તેને ઇંધણ મળી શકશે.
ટોલ પ્લાઝા પર પણ ઓટોમેટિક વ્યવસ્થાના નિર્દેશ
4 ઓગસ્ટના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થતા માર્ગ અકસ્માતોની પણ નોંધ લીધી હતી. કોર્ટે ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનોની અસરો પર પણ ધ્યાન આપ્યું હતું. કોર્ટે કેટલાક કોરિડોર પર પાયલટ પ્રોજેક્ટ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાને બદલે ટોલ પોઇન્ટ પરથી પસાર થતા વાહનોની ઓટોમેટિક ઓળખ કરવાની વ્યવસ્થાની વાત કહેવામાં આવી હતી.


