રાજકોટમાં માય ભારત અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફ્યુચર યુથ લીડર્સ બૂટ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ
‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની ભૂમિકા નિર્ણાયક: ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
માય ભારત રાજકોટ તથા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) ના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય “ફ્યુચર યુથ લીડર્સ બૂટ કેમ્પ” નો રાજકોટ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મળ, જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતાર, રાજેશભાઈ રાઠોડ, નેહાબેન ચૌહાણ અને આયુષી દર્શના સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે ભારતની યુવા શક્તિ દેશની સૌથી મોટી તાકાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યુવા સશક્તિકરણના વિઝનને સાકાર કરવામાં આવા બૂટ કેમ્પ મહત્વની ભૂમિકા ભજવે છે. ‘સ્કિલ ઈન્ડિયા’ અને ‘ફિટ ઈન્ડિયા’ ના માધ્યમથી યુવાનોમાં નેતૃત્વના ગુણો ખીલે અને તેઓ માત્ર નોકરી શોધનારા નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ કરનારા નેતા બને તે જરૂરી છે. ‘વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાત’ના સ્વપ્નને પૂરું કરવામાં યુવાનોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
કાર્યક્રમમાં વિષય પ્રવેશ કરાવતા જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતારે જણાવ્યું કે ભારત ૨૦૪૭ સુધીમાં સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે રાષ્ટ્રને આર્થિક, સામાજિક અને તકનીકી રીતે સશક્ત બનાવવામાં યુવાનો કેન્દ્રસ્થાને છે. વડાપ્રધાનશ્રીના આહ્વાન મુજબ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ૧ લાખ યુવા નેતાઓને તૈયાર કરવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે.
બૂટ કેમ્પમાં યુવાનોમાં નેતૃત્વ, નિર્ણય શક્તિ અને સંચાર કૌશલ્ય (Communication Skills) નો વિકાસ કરવો. પ્રજાપ્રતિનિધિઓ સાથે સીધા સંવાદ દ્વારા રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવી. ક્ષેત્ર-વિશિષ્ટ મેન્ટરશિપ આપી યુવાનોને ભવિષ્યની કારકિર્દી માટે સજ્જ કરવા. શાસન અને જાહેર સેવામાં યુવાનોની સક્રિય ભાગીદારી નિશ્ચિત કરવી. મુખ્ય ઉદ્દેશો રહ્યા હતાં. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ ‘સ્વચ્છ ભારત’નો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માય ભારતના મંજિત શર્મા, આયુષી દર્શના અને વૈભવે ભારે જહમત ઉઠાવી હતી.


