વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો
મનપા દ્વારા પ૨.3૯ લાખની વ્યાજ માફીનો લાભ આસામીઓને અપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વેરા વસુલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ-૩,૬૦,૪૦૫ કરદાતાઓ દ્વારા રૂ. ૨૬૩.૮૧ કરોડ જેટલી રકમનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે.
વેરા વસુલાત શાખા દ્વારા અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજનાનો પણ કરદાતાઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ-૨,૦૮૧ કરદાતાઓ દ્વારા રૂ. ૩.૮૭ કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે અને તેમને આશરે રૂ. ૫૨.૩૯ લાખની વ્યાજ માફીનો લાભ આપવામાં આવ્યો છે.
હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને કુલ રૂ. ૧૦,૦૦૦ સુધીની વ્યાજ માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મિલકત વેરામાં રૂ. ૫,૦૦૦ સુધી તથા પાણી વેરામાં રૂ. ૫,૦૦૦ સુધીની વ્યાજ માફીનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે કરદાતાઓમાં વેરો ભરપાઈ કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને નમ્ર અનુરોધ કરવામાં આવે છે કે, તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં પોતાનો બાકી રહેલો સંપૂર્ણ વેરો ભરપાઈ કરી હાલની વ્યાજ માફી યોજનાનો મહત્તમ લાભ મેળવે અને વેરા વસુલાતની કામગીરીમાં સહકાર આપે.
વેરા વસુલાતની કામગીરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી.કે. નંદાણી, સેન્ટ્રલ ઝોનના આસી. કમિશનર કાશ્મીરાબેન વાઢેર, વેસ્ટ ઝોનના આસી. કમિશનર દીપેન ડોડીયા તથા ઈસ્ટ ઝોનના આસી. કમિશનર રાજીવ ગામેતીના માર્ગદર્શન હેઠળ સંબંધિત ઝોનની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન મેનેજરો વત્સલ પટેલ તથા ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા તથા હાર્દિકસિંહ જાડેજા, ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર સહિત તમામ વોર્ડ ઓફિસરો અને ટેક્સ ઈન્સ્પેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં રિકવરીની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી છે. કરદાતાઓને સમયસર વેરો ભરપાઈ કરી વ્યાજ માફી યોજનાનો લાભ લેવા તેમજ રાજકોટ શહેરના વિકાસકાર્યોમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે.


