સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ
ધારાસભ્ય રમેશભાઈ ટીલારા દ્વારા કરાયેલું આયોજન: દિવંગતના નામે ચેકડેમ અને વનનું નિર્માણ કરાશે: આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
“માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના સેવાભાવને સાકાર કરવા તથા સ્વ. કિશોરભાઈ ટીલારાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિને જનસેવાના કાર્ય સાથે ઉજવવા ધારાસભ્ય રમેશભાઈ ટીલારા દ્વારા વિશાળ વિનામૂલ્યે ‘મેગા સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય તથા એઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત સહયોગથી તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી પટેલવાડી (વાણીયાવાડી), જલારામ ચોક, રાજકોટ ખાતે આ વિશાળ મેગા મેડિકલ કેમ્પ યોજાશે.
આ મેગા મેડિકલ કેમ્પમાં એઇમ્સ હોસ્પિટલ રાજકોટની પ્રતિષ્ઠિત ડોક્ટર્સની ટીમ તેમજ વિવિધ રોગોના જાણીતા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ પોતાની સેવાઓ આપશે. એક જ સ્થળે વિવિધ રોગોના નિદાન, તબીબી તપાસ, નિષ્ણાત માર્ગદર્શન તથા સારવાર અંગેની સલાહ મળી રહે તે માટે કેમ્પમાં વિશાળ તબીબી વ્યવસ્થા કરવામાં આવી છે.
કેમ્પમાં આવનાર દર્દીઓની સુવિધા માટે સરકારશ્રીની યોજનાઓ હેઠળ ‘આયુષ્માન કાર્ડ’ તથા વરિષ્ઠ નાગરિકો માટે ‘વયવંદના કાર્ડ’ સ્થળ પર જ કાઢી આપવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સ્વ. કિશોરભાઈ ટીલારાની સ્મૃતિને માત્ર પુણ્યતિથિ પૂરતી સીમિત ન રાખી, તેમના સેવાભાવને જનહિતના કાયમી કાર્યો સાથે જોડવાના સંકલ્પના ભાગરૂપે ‘કિશોરભાઈ વન’નું નિર્માણ તેમજ ‘કિશોરભાઈ ચેકડેમ’નું નિર્માણ કરવામાં આવશે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલારાએ જણાવ્યું હતું કે, “સ્વ. કિશોરભાઈની સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ એ છે કે તેમના સેવાભાવને જનસેવાના કાર્યો દ્વારા જીવંત રાખવામાં આવે. આરોગ્ય સેવા, પર્યાવરણ સંરક્ષણ અને જળસંચય જેવા ક્ષેત્રોમાં લોકોના જીવનને સીધો લાભ મળે તેવા કાર્યો કરવાનું અમારું સતત પ્રયત્ન રહેશે.”
નામ નોંધણી માટે મો. +91 93167 52377 પર વહેલી તકે સંપર્ક કરવા આયોજકો દ્વારા સર્વે જનતાને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા મનોજભાઈ ટીલારા, વિનુભાઈ ધડુક, રાજેશભાઈ હપાણી, સાગરભાઈ સોજીત્રા, દિક્ષીતભાઈ ધાંજાએ જણાવ્યું હતું.


