ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત
ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન; ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને ડ્રાઇવર-કંડક્ટરો માટે આરામગૃહની સુવિધા મળશે
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી એસ.ટી. ડેપોના માળખાકીય વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જૂનાગઢ ડિવિઝન હેઠળ આવતા ધોરાજી એસ.ટી. બસ સ્ટેશન ખાતે રૂ. 8 કરોડ અને 83 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર એસ.ટી. વર્કશોપનું ખાતમુહૂર્ત ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધા શરૂ થવાથી એસ.ટી. વિભાગની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાની સાથે મુસાફરોને મળતી સેવાઓમાં પણ સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા મુસાફરોને સલામત, સુવિધાયુક્ત અને સમયબદ્ધ પરિવહન સેવા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધોરાજીમાં નવા એસ.ટી. વર્કશોપ માટે રૂ. 8.83 કરોડની માતબર રકમ ફાળવી નવનિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ધોરાજી સહિત આસપાસના વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધોરાજી એસ.ટી. વર્કશોપની શરૂઆત 1 જાન્યુઆરી, 1972ના રોજ થઈ હતી. આશરે 54 વર્ષ જૂના આ વર્કશોપના સ્થાને હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવો વર્કશોપ બનાવવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્ય માટે તેમણે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
નવા એસ.ટી. વર્કશોપમાં ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટરો માટે આરામગૃહની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થનારા આ વર્કશોપથી બસોની જાળવણી અને ટેકનિકલ કામગીરીમાં સુગમતા આવવાની અપેક્ષા છે.રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાયુક્ત બનાવવાના પ્રયાસો વચ્ચે ધોરાજીમાં નવા વર્કશોપનું ખાતમુહૂર્ત સ્થાનિક એસ.ટી. વિભાગ માટે નોંધપાત્ર પ્રસંગ બન્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ડેપોની કામગીરીને નવી માળખાકીય સુવિધાઓનો લાભ મળશે.


