ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ
ખુદ નગરપાલિકા પ્રમુખ અને બાંધકામ ચેરમેનના વોર્ડમાં હલકી ગુણવત્તાનું પોલંપોલ કામ
સ્થાનિકોની ગુપ્ત ફરિયાદ બાદ મીડિયાના રિયાલિટી ચેકમાં રોડના કામમાં વપરાતું હલકું મટીરીયલ ખુલ્લું પડ્યું
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં નવા બની રહેલા સિમેન્ટ રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ગુપ્ત માહિતી અને તસવીરો સ્થાનિક જાગૃત નાગરિકોએ મીડિયાને પહોંચાડી હતી. આ પુરાવાઓના આધારે મીડિયા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ખુદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાના વોર્ડ નંબર સાત અને બાંધકામ સમિતિના ચેરમેન લાખીબેન નંદાણીયાના વોર્ડ નંબર છમાં જ અત્યંત નબળી ગુણવત્તાવાળો રોડ બની રહ્યો છે. અહીં નીચેના ભાગે ફક્ત કાંકરિયા પાથરીને ઉપર માત્ર દેખાવ પૂરતું સિમેન્ટનું હલકું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું નરી આંખે સ્પષ્ટ દેખાય છે.
મીડિયાની સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ કામગીરીના સ્થળે કોઈ માહિતી દર્શાવતું ઇન્ફોર્મેશન કે સાઈન બોર્ડ નથી, તેમજ કોઈ જવાબદાર અધિકારી કે સુપરવાઇઝર હાજર રહેતા નથી. કામ કરતા મજૂરો પાસે પણ સુરક્ષાના કોઈ સાધનો જોવા મળ્યા ન હતા. નાગરિકોનો સીધો આક્ષેપ છે કે આ ભ્રષ્ટાચારમાં જવાબદાર સદસ્યો, ચેરમેન અને પ્રમુખની સીધી સંડોવણી છે. જો કોઈ નાગરિક આ અંગે રજૂઆત કરે તો તેમનું હળાહળ અપમાન કરવામાં આવે છે અને મીડિયા કે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ ન કરવા માટે ધાકધમકીઓ આપી દબાવી દેવામાં આવે છે.
પાલિકામાં પ્રમુખ સિવાયના મહિલા ચેરમેનોની ઓફિસ અને ખુરશી પર તેમના પતિદેવો જ રોફ જમાવીને વહીવટ કરતા હોવાના કિસ્સાઓ પણ ખુલ્લેઆમ બની રહ્યા છે. આ પતિદેવો અવાજ ઉઠાવનાર અરજદારોને ધમકાવીને હાંકી કાઢે છે. બીજી તરફ, પાલિકાના ગડબડ-ગોટાળા રોકવા માટે સત્તાપક્ષ દ્વારા સ્થાનિકથી પ્રદેશ કક્ષા સુધી નિમાયેલી વિશેષ કમિટી પણ લાચાર બની ગઈ છે. ‘બિલાડીના ડોકે ઘંટી કોણ બાંધે’ તેવી સ્થિતિ વચ્ચે નેતાઓની ચૂપકીદીથી તેઓ પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાની શંકા લોકો સેવી રહ્યા છે.
જોકે, મીડિયાના રિયાલિટી ચેક અને મજબૂત પુરાવાઓ બાદ હવે આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે. આગામી દિવસોમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત શહેરી વિકાસ વિભાગ, વિજિલન્સ અથવા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય તેવી તૈયારીઓ હોવાનું જાણવા મળ્યું છે, જેના પર સમગ્ર શહેરની નજર ટકેલી છે.


