જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય
પીજીવીસીએલ કચેરીમાં સ્ટાફની જગ્યા ભરવા અંગે ઇજનેરનો સ્પષ્ટ જવાબ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પોલાભાઈ પીપળિયા દ્વારા કુવાડવા સબ ડિવિજનલ પીજીવીસીએલ કચેરી હેઠળ 22000 વીજગ્રાહક છે, તેની સામે સ્ટાફ 2012ની યાદી મુજબ હોય તો સ્ટાફ વધારો કરવા માગણી હતી. આ માગણીના ધ્યાને રાખીને રાજકોટ ગ્રામ્ય પીજીવીસીએલના ઈજનેરે સ્પષ્ટ જવાબ આપી ના પાડી દીધી હતી કે નવા સ્ટાફની ફાળવણી કરવામાં નહિ આવે. આ સ્ટાફ વીજકંપનીના પ્રવર્તમાન નિયમ મુજબ છે.
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયા દ્વારા અગાઉ લેટરપેડ પર કુવાડવા ખાતે આવેલી પીજીવીસીએલની સબ-ડિવિઝનલ કચેરીમાં ગ્રાહકોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થયો છે, પરંતુ તે સરખામણીએ કર્મચારીઓની ભારે અછત હોવા અંગે રાજકોટ ગ્રામ્ય કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી.
ત્યારે હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા ફરી રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં કલેક્ટર સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, વર્ષ 2012માં જ્યારે આ કચેરી શરૂ કરવામાં આવી ત્યારે ગ્રાહકોની સંખ્યા માત્ર 8000 હતી, પરંતુ આ વિસ્તારનો વ્યાપક વિકાસ થતાં આજે ગ્રાહકોની સંખ્યા વધીને 22000 જેટલી થઈ ગઈ છે.
ગ્રાહકોની સંખ્યામાં આટલો મોટો ઉછાળો આવ્યા છતાં કચેરીમાં સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. હાલમાં સિનિયર JEE, મિનિ મેન્ટેનન્સ ટીમ અને લાઇન સ્ટાફ વગેરેની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે.અગાઉ પણ આ અંગે લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, પૂરતો સ્ટાફ ન હોવાને કારણે વીજગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરવામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે.
બીજી તરફ, પીજીવીસીએલ ગ્રામ્ય વર્તુળના કાર્યપાલક ઇજનેર જણાવ્યું હતું કે, હાલમાં વ્યાપક નિયમો (GSO-4) અનુસાર જ સ્ટાફ કાર્યરત છે. સ્ટાફની ફાળવણી નિયમ મુજબ થયેલી હોવાથી અને મંજૂર થયેલા સેટઅપ કરતાં વધુ સ્ટાફની ફાળવણી થઈ શકતી ન હોવાથી, કુવાડવા કચેરીને હાલમાં વધુ વધારાનો સ્ટાફ આપી શકાય તેમ નથી. વધુમાં મિનિ મેન્ટેનન્સ ટીમ તાલુકા લેવેલે એક જ આપવામાં આવે છે. જે હાલમાં રોણકી પેટા વિભાગીય કચેરીમાં કાર્યરત છે.


