- દિવાળીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
- ફટાકડા ફોડવા પર માત્ર 2 કલાકની જ છૂટ
- રાત્રિ 8થી 10 સુધી જ ફોડી શકાશે ફટાકડા
અમદાવાદમાં દિવાળીમાં ફટાકડા ફોડવા માટે રાત્રે માત્ર 2 કલાકનો જ સમય નક્કી કરવામાં આવ્યો છે. રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દિવાળીમાં અમદાવાદીઓ માટે ફટાકડાં ફોડવાનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. શનિવારે અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને આ બાબતને લઈને જાણકારી આપી છે. પોલીસના જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં ફક્ત બે કલાક સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે એટલે કે રાતના 8 થી 10માં જ ફટાકડાં ફોડી શકાશે આ ઉપરાંત જાહેરનામાનો ભંગ કરનારની સામે પણ કડક કાર્યવાહી કરવાની પોલીસે ચેતવણી ઉચ્ચારી છે. એક અન્ય નિયમ અનુસાર 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી બીજા અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના ઉપરાંત શહેરમાં બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જેની સાથે જ ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
કયા નહીં ફોડી શકાય
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસરા અમુક સ્થળો પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં હોસ્પિટલ, કોર્ટ,નર્સિંગ હોમ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળે ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસે લોકોને આ જાહેરનામાનો કડકાઈથી અમલ કરવાની તાકીદ કરી છે.
કોણ વેચાણ કરી શકશે
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર ફટાકડા વેચાણને લગતા નિયમો પણ જાહેર કરાયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલનું વેચાણ નહીં કરવા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ફટાકડાની લૂમ ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે કોઈપણ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવો ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.


