- રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લખ્યો પત્ર
- રાજ્યભરમાંથી બિયારણ અંગેની ફરિયાદો અંગે ચર્ચા
- ખેડૂતોને પણ બિલ વગર કોઈ બિયારણ ન ખરીદવા અપીલ
રાજ્યમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહી હોવાની ફરિયાદ સામે આવી છે. જેના મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પત્ર લખી આ મુદ્દે સરકારનું ધ્યાન દોરયું છે. આ અંગે રાજ્યસભા સાંસદે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો અને કહ્યું છેકે, નકલી બિયારણ આપી ખેડૂતોને લૂંટી રહ્યાં છે. નકલી બિયારણ વેચનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
છેલ્લા થોડાં સમયથી રાજ્યના ખેડૂતોને નકલી બિયારણના નામે છેતરામણી થવાની ફરિયાદો સામે આવી રહી છે. આ વચ્ચે રાજ્યસભા સાંસદે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખી આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જેના બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે તાત્કાલિક અધિકારીઓની સાથે બેઠક બોલાવી છે.
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકારિયાએ કૃષિ મંત્રી ને નકલી બિયારણ મુદ્દેના પત્રમાં જણાવ્યું કે, નકલી બિયારણના ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યાની ફરિયાદો આવી રહી છે. તેમજ તેના કારણે ખેડૂતોને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે. તેમજ નકલી બિયારણના માફીયાઓ દ્વારા ખેડૂતોની પર ખોટી લૂંટ ચલાવવામાં આવી રહી છે.
રામ મોકરિયાએ પત્રમાં જણાવ્યું છેકે, નફાખોર વેપારીઓને કડક સજા થાય તેવી મારી માગ કરી છે. તેમની સાથે જ તેમણે કહ્યું કે,ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણનું વધુ વેચાણ થઈ રહ્યું છે. કાયદામાં ફેરફાર કરી નકલી વેપારીઓ સામે આકરા પગલા થાય તે માટે સરકારે કામ કરવું જોઇએ. નકલી બિયારણથી ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે. નકલી રાસાયણિક દવાના કારખાના પણ ધમધમે છે તો તેની સાથે પણ કાર્યવાહી થવી જોઇએ.
આ તરફ નકલી બિયારણને લઈને રાજ્ય કૃષિમંત્રી એક્શનમાં આવ્યા છે અને કૃષિમંત્રીએ અધિકારીઓની બેઠક બોલાવી છે. કૃષિવિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. તેમની સાથે નકલી બિયારણ પકડવા અંગેની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવશે. તેમજ ખેડૂતોને બિલ વગરના બિયારણ ન ખરીદવા અપીલ કરી છે. નોંધનીય છે કે, નકલી બિયારણ અંગે ખેડૂતોની અનેક વખત ફરિયાદ ઉઠી છે.


