- ખેડૂતો અન્ય પાક તરફ્ વળતા તલના પ્રોડક્શનમાં ઉત્તરોતર ઘટાડો
- પાંચ વર્ષ પહેલાં 1 લાખ ટન જેટલું પ્રોડક્શન હતું, તે હવે માત્ર 18,000 ટન
- ગુજરાતમાં આ વર્ષે માત્ર 17,922 ટન તલનું ઉત્પાદન થવાની સંભાવના
તેલ અને તેલીબિયાંના ઉત્પાદનમાં ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ખાસ કરીને મગફ્ળી, કપાસિયા અને તલ જેવા ઓઈલસીડ્સના ઉત્પાદનમાં રાજ્ય હમેશા પહેલા ક્રમે રહ્યું છે. જોકે, તલમાં હવે સ્થિતિ બગડી છે અને ગુજરાત કે જે એક સમયે તલના પ્રોડક્શનમાં દેશમાં પહેલા ક્રમે હતું તે હવે ચોથા ક્રમે પહોચી ગયું છે. ગુજરાતમાં 75 હજાર ટનથી 1 લાખ ટન જેટલું પ્રોડક્શન થતું હતું. ઇન્ડિયન ઓઈલસીડ્સ એન્ડ પ્રોડયુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (IOPEPC)ના તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં આ વર્ષે માત્ર 17,922 ટન તલનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગુજરાત કરતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં તલનું ઉત્પાદન વધુ થઇ શકે છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સારું ચોમાસું રહે છે. મોટાભાગે એવરેજ કરતા વધુ વરસાદ પડે છે. તલ ઓછા પાણીનો ક્રોપ છે અને રાજ્યમાં વધારે અને અનિયમિત વરસાદના કારણે તલના વાવેતરનું ધોવાણ થાય છે. આ કારણે ખેડૂતોને ઘણી નુકસાની વેઠવી પડી છે. આ બધાના કારણે ખેડૂતો સોયાબીન, કપાસ જેવા અન્ય પાકો તરફ્ વળ્યા છે. આ ઉપરાંત ખેડૂતો ખરીફ્ તલના બદલે ઉનાળુ તલનો પાક લઇ રહ્યા છે. આ બધાની એક્સપોર્ટને પણ અસર થઇ છે. જોકે, વૈશ્વિક બજારની સરખામણીએ સ્થાનિકમાં ભાવ ઊંચા હોવાથી નિકાસકારો કાચા તલની આયાત કરી ભારતમાં પ્રોસેસ કરી તેની નિકાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે, અનિયમિત અને વધારે વરસાદના કારણે તલમાં ઉત્પાદકતા પણ ઘટી છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં તલનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ભારત તલની નિકાસમાં અગ્રણી રાષ્ટ્ર છે અને વર્તમાન સ્થિતિને જોતા નિકાસના બદલે આયાત કરાવી પડે તેવી પરિસ્થિતિ બની રહી છે.
ખેડૂતો અન્ય પાક તરફ્ વળ્યા
IOPEPCના સેક્રેટરી કિશોર તન્નાએ જણાવ્યું કે, તલના પ્રોડક્શનમાં ગુજરાત ટોપ પર રહેતું હતું. રાજ્યમાં ખરીફ્ તલનું ઉત્પાદન ઉત્તરોત્તર ઘટતું જાય છે. કપાસ અને સોયાબીનની તુલનામાં ખેડૂતોને તલમાં ઓછા ભાવ મળ્યા છે. તેના કારણે ગુજરાતમાં ખેડૂતો અન્ય પાક તરફ્ વળ્યા છે. આ ઉપરાંત અનિયમિત અને વધારે વરસાદના કારણે તલમાં ઉત્પાદકતા પણ ઘટી છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં તલનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ભારત તલની નિકાસમાં અગ્રણી રાષ્ટ્ર છે અને વર્તમાન સ્થિતિને જોતા નિકાસના બદલે આયાત કરાવી પડે તેવી પરિસ્થિતિ બની રહી છે.
ઓછા વાવેતર માટે વધુ વરસાદ જવાબદાર
તલના અગ્રણી વેપારી સુરેશ ચંદારાણાએ તલના ઘટતા ઉત્પાદન અંગે જણાવ્યું કે, તલ ઓછા પાણીએ લેવાતો ક્રોપ છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષનો વરસાદ જોઈએ તો મોટાભાગે સામાન્ય કરતા વધુ વરસાદપડયો છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણીવાર એક જ દિવસમાં 12-15 ઈંચ વરસાદ પડી જાય છે. આ પ્રકારનો વરસાદ તલના વાવેતર માટે નુકસાનકારક સાબિત થાય છે. વરસની પેટર્ન બદલાઈ છે તેમ ખેડૂતોની પેટર્ન પણ બદલાઈ છે. ખેડૂતો હવે ખરીફ્ના બદલે ઉનાળુ તલનું વાવેતર વધુ કરે છે. આ બધા કારણે ગુજરાતમાં ખરીફ્ તલનું ઉત્પાદન ઘટી રહ્યું છે.


