- માત્ર 12 જ કલાકમાં બેફામ કારની અડફેટે 4ના મોત
- નાની બાણુગર પાસે BMW ની અડફેટે એકનું મોત
- મોટી ખાવડીમાં કારની અડફેટે 3 પદયાત્રીઓના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યા છે. રફતારના રાક્ષસો દ્વારા સતત બેફામ ગાડી હાંકીને પદયાત્રીઓના સતત ભોગ લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જામનગરમાં માત્ર 12 જ કલાકમાં બેફામ કારની અડફેટે 4ના મોત થયા હોવાની વિગતો સામે આવી છે.
એક તરફ રાજ્યભરમાં તહેવારોની ઉજવણી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ રફ્તારના રાક્ષસો બેફામ બન્યા છે. બેફામ સ્પીડે અને બેધ્યાનપણે વાહન હંકારી અકસ્માતના કારણે જામનગરમાં અલગ અલગ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે. જેમાં મોટી ખાવડીમાં કારની અડફેટે 3 પદયાત્રીઓના મોત તો નાની બાણુગર પાસે BMW ની અડફેટે એકનું મોત થયું છે.
આટઆટલી દુર્ઘટનાઓ છતા રફ્તારના રાક્ષસો બેફામ રીતે ફરી રહ્યા છે. જેમાં જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું છે. નાની બાણુગર પાસે BMW કારે દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પતિનું મોત થયું હતું, પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન BMW કારનો અન્ય કાર અને બાઈક સાથે અકસ્માત થયો હતો.
જ્યારે જામનગર- ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. મોટી ખાવડી પાસે પદયાત્રીઓને કારચાલકે અડફેટે લીધા હોવાની વિગતો સામે આવી છે. દ્વારકા જઈ રહેલા 4 માંથી 3 પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા છે. આ ઘટનામાં મેઘપર પડાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


