- લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા તાપમાન 2 ડિગ્રી વધારે
- છેલ્લા કેટલાય દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ
- અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી, મહત્તમ 31 ડિગ્રી
દિવાળીના તહેવારની સાથે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલ રમવા જઈ રહી છે ત્યારે હવામાન દ્રષ્ટિએ ક્રિકેટ માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
અમદાવાદનું હવામાન મેચ માટે અનુકૂળ
છેલ્લા થોડાં દિવસોથી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી, મહત્તમ 31 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, રવિવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી રહે તેવી શક્યતા છે. ત્યારબાદ સાંજે 18 ડિગ્રી સુધી તાપમાન પહોંચી તેવી સંભાવના છે. તે દિવસે વરસાદની કોઈ સંભાવના નથી.
જ્યારે રાજ્યના વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી જ્યારે ભુજમાં તાપમાન 16 ડિગ્રી, નલિયામાં તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. જ્યારે ભાવનગરમાં 19 ડિગ્રી અને સુરતમાં 24 ડિગ્રી તાપમાન પહોંચી રહ્યું છે.
રાજ્યમાં ઠંડીનું જોર વધશે
આ સાથે જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન શહેરમાં હવામાન સૂકુ રહેશે. વહેલી સવારે અને સાંજે સામાન્ય તાપમાનનું પ્રમાણ ઓછું રહેશે. આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે કચ્છ ભુજના વિસ્તારમાં વાદળ વાતાવરણ રહે તેવી શક્યતાઓ વધુ છે.
આગામી નવેમ્બરના અંત સુધીમાં ઠંડીનું જોર જોવા મળી શકે છે. તેમજ રાજ્ય ભરમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ઠંડીની સીઝન સંપૂર્ણ રીતે રહેશે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન રહેલું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી માસના અંત સુધી ઠંડીની અસર રહે તેવી શક્યતા છે.


