- દારૂની બોટલ સાથે પકડાયો હતો યુવક
- નાના ચિલોડા પોલીસે યુવકને ઝડપ્યો હતો
- પોલીસ સ્ટેશન લઇ જવાને બદલે આસપાસમાં ફેરવ્યો
ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ સમયે અહીં પ્રેક્ષકોની પણ ભીડ જોવા મળી હતી. દર્શકોની ભીડને કાબૂમાં રાખવા માટે મોટાપાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પણ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ બંદોબસ્તની સાથે સાથે તોડ પાણીમાં પણ વ્યસ્ત જોવા મળ્યા હતા. જેમાં તેઓએ દિલ્હીના એક યુવક પાસેથી રૂ. 20 હજારનો તોડ કર્યો હતો.
શું છે સમગ્ર ઘટના
વર્લ્ડકપની ફાઈનલમાં બંદોબસ્તમાં ગોઠવાયેલી ટ્રાફિક પોલીસને દિલ્હીના એક યુવક પાસેથી દારૂની બોટલ મળી હતી. પોલીસે આ યુવકને ઝડપીને તેની સાથે લાંબા સમય સુધી માથાકૂટ કરી હતી. નાના ચિલોડા પોલીસે યુવકને ઝડપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ યુવકને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે આસપાસના વિસ્તારમાં ફેરવ્યો હતો. પોલીસે ઓનલાઈન 20 હજાર રૂપિયા યુવક પાસે ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે તોડબાજ પોલીસ કર્મચારીની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવક થયો નારાજ
અમદાવાદ પોલીસના પ્રવાસીઓ સાથેના પોલીસના આવા વર્તનથી યુવક નારાજ થયો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હવે ઝી ડિવિઝન ટ્રાફિક પોલીસના તોડબાજ કર્મચારીની તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ પોલીસના તોડકાંડના પર્દાફાશ કરાયા છે. ઉચ્ચ અધિકારી દ્વારા આ રૂપિયા ટ્રાન્સફર કરાવનારા પોલીસ કર્મચારીની તપાસ તેજ કરવામાં આવી છે.


