- એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ કરવા આપી હતી ધમકી
- દિલ્હી, પંજાબના એરપોર્ટ પર વધારવામાં આવી સુરક્ષા વ્યવસ્થા
- NIAએ ખાનકોટ ગામમાં પન્નુની સંપત્તિ જપ્ત કરાઇ
આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ 19 નવેમ્બરે એક વીડિયોમાં એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઈટ બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ, દિલ્હી અને પંજાબના એરપોર્ટ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. વિડિયોમાં આતંકી પન્નુએ એર ઈન્ડિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તો સાથે સાથે, પન્નુએ શીખ સમુદાયના લોકોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની કોઈપણ ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી હતી.
દિલ્હી, પંજાબના એરપોર્ટ પર વધારવામાં આવી સુરક્ષા વ્યવસ્થા
પન્નુની ધમકી બાદ, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ પંજાબ અને દિલ્હીના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ માટે વધારાની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો હતો. સુરક્ષા કારણોસર, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પંજાબના એરપોર્ટ પર એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ માટે 100 ટકા SLPC (સેકન્ડરી લેડર પોઇન્ટ ચેક), ટેમ્પરરી એરપોર્ટ એન્ટ્રી પાસ (TAEP), IGI (ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ) ના ટર્મિનલ બિલ્ડિંગમાં મુલાકાતીઓનો પ્રવેશ (દિલ્હીમાં) અને મુલાકાતીઓને પ્રવેશ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સુરક્ષા પગલાં 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.
NIAએ ખાનકોટ ગામમાં પન્નુની સંપત્તિ જપ્ત કરાઇ
આતંકી પન્નુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કાર્યવાહીથી આક્રોશમાં આવી ગયો છે. લગભગ બે મહિના પહેલા NIA અધિકારીઓએ પન્નુ સરહદી જિલ્લા અમૃતસરના ખાનકોટ ગામમાં 46 કનાલ ખેતીની જમીન અને ચંદીગઢના સેક્ટર 15માં રહેણાંક મકાન જપ્ત કર્યું હતું. NIAએ પંજાબના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા અને તેના સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી. NIA પહેલા જ આતંકવાદી પન્નુ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરી ચૂકી છે.


