- ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 શ્રમિકોને મળશે વધુ મદદ
- ફસાયેલા શ્રમિકોને વધુ ખાદ્ય ચીજો, ફળો, ઈંડા વગેરે મોકલી શકાશે
- NHIDCLએ દિલ્હીથી એન્ડોસ્કોપિક કેમેરા મંગાવ્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં છેલ્લા 9 દિવસથી ફસાયેલા 41 મજૂરો માટે સોમવારે થોડી રાહત મળી. બીજી 6 ઇંચની લાઇફલાઇન પાઇપ ટનલની અંદર કામદારો સુધી પહોંચાડવામાં આવી છે. હવે આ પાઈપ દ્વારા તેમને વધુ ખાદ્ય ચીજો, ફળો, ઈંડા વગેરે મોકલી શકાશે. તો, મોડી સાંજે મજૂરોને ખિચડી મોકલવામાં આવી છે.
સોમવારે સવારે NHIDCLની ટીમે ઓગર મશીન બંધ કરી અને કામદારોની લાઈફલાઈન માટે છ ઈંચની પાઈપ ડ્રિલ કરવાનું શરૂ કર્યું. બપોરના 1 વાગ્યાની આસપાસ સામે એક પથ્થર આવી જતાં તે બંધ થઈ ગઈ હતી, પરંતુ લગભગ 4 વાગ્યાની આસપાસ ટીમને આ 57 મીટરની પાઈપને આગળ ધકેલવામાં સફળતા મળી હતી. હવે ચાર ઈંચની પાઈપોની સાથે 6 ઈંચની પાઈપ દ્વારા રાહત સામગ્રી પણ કામદારોને મોકલવામાં આવશે.
તો બીજી બાજુ, NHIDCLના ડાયરેક્ટર અંશુ મનીષ ખાલખોએ જણાવ્યું કે, તમામ કામદારો ટનલની અંદર સુરક્ષિત છે. તેઓ જૂના પાઈપ દ્વારા માત્ર ચણા, મીઠું, દવાઓ, ટોફી, ચોકલેટ વગેરે મોકલી શકતા હતા, પરંતુ નવી પાઈપ દ્વારા તેઓ ફળો, ઈંડા સહિતની વધુ ખાદ્ય સામગ્રી મોકલી શકશે.
તેમણે જણાવ્યું છે કે કામદારોની હાલત જોવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ અંદર વધુ પડતી ધૂળ હોવાને કારણે તસવીરો સ્પષ્ટ રીતે લઈ શકાઈ નથી. સોમવારે ટનલની બારકોટ બાજુનું કામ શરૂ થઈ શક્યું ન હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, મંગળવારથી બચાવ કામગીરી વધુ તીવ્ર બનશે.
એન્ડોસ્કોપિક કેમેરાથી દેખાશે તસવીરો
NHIDCLએ દિલ્હીથી એન્ડોસ્કોપિક કેમેરા મંગાવ્યા છે. મંગળવારે, આ કેમેરાને પાઇપ દ્વારા અંદર મોકલવામાં આવશે. ડિરેક્ટર અંશુ મનીષે કહ્યું કે, જ્યાં કેમેરા દ્વારા જ્યાં શ્રમિકો તેમને જોઈ શકશે તો તેઓ પણ શ્રમિકોની સ્થિતિને વધુ નજીકથી જોઈ અને સમજી શકશે.
શ્રમિકોના રેસ્ક્યૂ માટે આવતીકાલે શું થશે?
- SJVN કંપનીનું ડ્રિલ મશીન ટનલની ટોચ પર પહોંચશે, જેને ઇન્સ્ટોલ કરવામાં લગભગ 24 કલાકનો સમય લાગશે.
- RVNL કંપનીનું ડ્રિલ મશીન પણ આજે ટનલની ઉપર જશે
- ટનલની અંદર ઓગર મશીન ચલાવવાનું કામ ફરીથી ઝડપી કરવામાં આવશે
- રોબોટ ઓપરેટ કરવાના પ્રયાસો કરવામાં આવશે જેથી કામદારો સુધી સરળતાથી પહોંચી શકે
- ટનલના બીજા છેડા, બારકોટથી પણ કામ ઝડપી કરવામાં આવશે


