- ઈરાનના સર્વોચ્ચ નેતાએ ઈઝરાયેલ સાથે રાજકીય સંબંધો તોડવાની અપીલ કરી
- મુસ્લિમ વિશ્વએ સમજવું જોઈએ કે આ માત્ર ઈઝરાયલની વાત નથી
- ‘વિજય દૂર નથી, તે માત્ર પેલેસ્ટાઈનનો જ હશે’:આયાતુલ્લા અલી ખમેની
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ રવિવારે મુસ્લિમ દેશોને ઈઝરાયેલ સાથે રાજકીય સંબંધો તોડવાની અપીલ કરી હતી. ખામેનીએ ઇઝરાયેલ સાથે રાજકીય સંબંધો ધરાવતા મુસ્લિમ દેશોને ઓછામાં ઓછા મર્યાદિત સમય માટે તેને ઘટાડવાની અપીલ કરી હતી. આ પહેલા ખમેનીએ મુસ્લિમ દેશોને અપીલ કરી હતી કે તેઓ ઈઝરાયેલનો બહિષ્કાર કરે અને ઈઝરાયેલને ઈંધણ (તેલ) અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય બંધ કરે.
મુસ્લિમ દેશો સંમત ન થયા
જોકે, ઈઝરાયેલ પર પ્રતિબંધો લાદવાની કોશિશ કરી રહેલા ઈરાનને 11 નવેમ્બરે મોટો આંચકો લાગ્યો હતો. ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની અપીલ પર સાઉદી અરેબિયાની રાજધાનીમાં ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને આરબ લીગના સભ્યો વચ્ચેની સમિટમાં મુસ્લિમ દેશો ઈઝરાયેલ પર વ્યાપક પ્રતિબંધો લાદવા માટે સંમત થયા ન હતા.
ખામેની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એરોસ્પેસ ફોર્સ દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા. ઈરાનના નવા હથિયારો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં ઈરાનની પ્રથમ હાઈપરસોનિક મિસાઈલ ફતહ 2 સામેલ છે. ઈરાને જૂનમાં તેની પ્રથમ સ્થાનિક હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી.
મુસ્લિમ વિશ્વએ સમજવું જોઈએ
આ પહેલા આયાતુલ્લા ખમેનીએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ દેશોએ એ ન ભૂલવું જોઈએ કે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન હંમેશા ઈસ્લામ વિરુદ્ધ ઉભા રહ્યા છે અને પેલેસ્ટાઈન પર અત્યાચાર કર્યો છે. મુસ્લિમ વિશ્વએ સમજવું જોઈએ કે આ માત્ર ઈઝરાયલની વાત નથી, પરંતુ ઈઝરાયેલના સંપર્કો ધરાવતા દેશો સાથે પણ સંબંધિત મુદ્દો છે. તેમણે કહ્યું હતું કે, ‘વિજય દૂર નથી, તે માત્ર પેલેસ્ટાઈનનો જ હશે.’ ખમેનીએ કહ્યું કે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકામાં પણ ઈઝરાયેલ અને અમેરિકી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ
પેલેસ્ટાઈનના બળવાખોર જૂથ હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400 લોકોના મોત થયા હતા. ઈરાને ઈઝરાયેલ પરના આ હુમલાનું સ્વાગત કર્યું હતું. ઈઝરાયેલનો દાવો છે કે આ હુમલાઓમાં હમાસની પાછળ ઈરાન છે. આ હુમલા બાદથી, ઇઝરાયેલ ગાઝામાં હમાસની જગ્યાઓ પર બોમ્બમારો કરી રહ્યું છે અને ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 11,000થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે.


