- હવે ઉંમરનો બાધ રહ્યો નથી : 20-30 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે
- શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશય કેન્સરના દર્દી વધુ
- એક સમયે 60થી 70 વર્ષની વયે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હતું
એક સમયે 60થી 70 વર્ષની વયે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હતું, આજે 30થી 40 વર્ષની વયે જાણે કોમન થઈ ગયું છે, ચોંકાવનારી બાબત એ છે કે, હવે 20થી 30 વર્ષની વયે પણ બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે. બાળક ન થાય તે માટે લેવાતી હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે, તેમ અમદાવાદના સર્જન ડો. શેફાલીબહેન દેસાઈનું કહેવું છે.
સામાન્ય રીતે કેન્સરની ગાંઠમાં દુખાવા જેવું હોતું નથી, બ્રેસ્ટ કે બગલના ભાગે ગાંઠ જેવું દેખાય તો તૂર્ત જ તપાસ થાય તે હિતાવહ છે, વિદેશમાં જે રીતે જાગૃતિ છે તે કમનસીબે આપણે ત્યાં હજુ નથી, બ્રેસ્ટ કેન્સરની જાત તપાસ માટે આપણે ત્યાં મહિલાઓને તાલીમ અપાતી હોય છે, દર મહિને એક વાર જાત તપાસ કરવી જોઈએ. જરૂર લાગે તેવી સ્થિતિમાં સોનોગ્રાફી અને મેમોગ્રાફી કરાવવી જોઈએ. રોગનું ઝડપી નિદાન થાય તો સારવાર ચોક્કસ શક્ય બનતી હોય છે, પહેલાંના સમયમાં બ્રેસ્ટનો ભાગ દૂર કરવો પડતો હતો, જોકે હવે અર્લી સ્ટેજમાં ગાંઠ દૂર કરાય છે, આમ અર્લી સ્ટેજમાં જિંદગીની સાથે બ્રેસ્ટ પણ બચાવી શકાય છે. મહિલાઓમાં કેન્સર થવા પાછળના કારણોમાં બેઠાડું જીવન, મેદસ્વીતા, કસરતનો અભાવ, મોડા લગ્ન, સ્તનપાન ન કરાવવા જેવી બાબતો પણ સામેલ છે. એટલું જ નહિ પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં સ્મોકિંગ અને દારૂના સેવનનું પ્રમાણ વધ્યું છે, આ ઉપરાંત મહિલાઓમાં શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશય કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે, તેમ નિષ્ણાત તબીબોનું કહેવું છે.
બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે શહેરમાં વોકાથોન યોજાઈ
શહેરના નવરંગપુરા સ્થિત સામવેદ બ્રેસ્ટ ક્લિનિક દ્વારા બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે 11મી વોકાથોનનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત સર્જન ડો. શેફાલી દેસાઈના ‘અશ્રુથી વિજય સુધી’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તક બ્રેસ્ટ કેન્સરના પરાજય, હામ, આશા અને દ્રઢનિૃય સંદર્ભે પ્રેરણા પૂરી પાડશે.
દર વર્ષે 14 ટકા જેટલા વધી રહેલા કેસ ચિંતાજનક
ભારતમાં અંદાજે બ્રેસ્ટ કેન્સરના વર્ષે 1.5 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે, ચિંતાજનક બાબત એ છે કે, દર વર્ષે કેસની સંખ્યામાં 13થી 14 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે બ્રેસ્ટ કેન્સરના 10થી 15 ટકા જેટલા દર્દીઓનાં મોત થતા હોય છે.
કેન્સર સ્ટેજ-4 ઉપર પહોંચી ગયું પણ ખબર જ ન પડી!
છેલ્લાં બે વર્ષના અરસામાં એવા સગા જેમને કેન્સરના કોઈ પણ જાતના લક્ષણો નહોતા, આવા 25,362 લોકોની તપાસ કરાઈ હતી, જે પૈકી 42 લોકોને કેન્સરની બીમારી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહિ પરંતુ બેથી ત્રણ વ્યક્તિમાં તો કેન્સર સ્ટેજ-4 ઉપર પહોંચી ગયું હતું.


