- હવે નહી યોજાય I.N.D.I.A ગઠબંધનની બેઠક
- 6 ડિસેમ્બરે મળવાની હતી બેઠક
- બેઠકમાં વિવિધ દળના નેતાઓએ હાજર રહેવા કહી હતી ના
3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતથી વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડતી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતૃત્વમાં 6 ડિસેમ્બરે મહાગઠબંધનની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ હવે આ બેઠક નહી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. હાલ પુરતી બેઠક સ્થગિત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ બેઠક સ્થગિત: સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK નેતા એમકે સ્ટાલિન ચક્રવાતને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની તબિયત ખરાબ છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પરિવારમાં લગ્નનો કાર્યક્રમ છે. આવી સ્થિતિમાં, બેઠકને અન્ય તારીખ પર મુલતવી રાખવામાં આવી છે.
અત્યાર સુધી 3 બેઠકો જ થઇ
અત્યાર સુધીમાં ‘I.N.D.I.A ગઠબંધનની ત્રણ બેઠકો જ થઇ છે. પટના, બેંગલુરુ અને મુંબઈમાં બેઠક થઇ ચૂકી છે. મુંબઈમાં ગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓની તાજેતરની બેઠકમાં, ગઠબંધનના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા બનાવવા માટે 14 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. સંકલન સમિતિ વિપક્ષી ગઠબંધનની ટોચની નિર્ણય લેતી સંસ્થા તરીકે કામ કરશે. ત્યારે હવે 6 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ બેઠક મળવાની હતી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. તેલંગાણામાં કોંગ્રેસે જીત નોંધાવી છે.


