- લોકસભામાં સાંસદ સેંથિલ કુમારના વિવાદિત નિવેદનથી આક્રોશ
- તેલંગાણા અને હિન્દીભાષી રાજ્યોના ડીએનએને લઈને ઊભો કર્યો વિવાદ
- ગત વર્ષે ભૂમિપૂજનને લઈને સર્જી નાખ્યો હતો મોટો વિવાદ
સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે DMK સાંસદ સેંથિલ કુમારના એક નિવેદનને કારણે ભારે ઉહાપોહ મચાવી દીધો છે. વાસ્તવમાં, લોકસભામાં DMK સાંસદ સેંથિલ કુમારે ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને લઈને વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમની આ ટિપ્પણીને લઈને વિપક્ષ સહિત ભાજપના અનેક સભ્યોએ આપત્તિ વ્યક્ત કરી હતી. વિવાદ વધતાં DMK સાંસદે ગૃહમાં માફી પણ માંગી લીધી. તેમણે પોતાના નિવેદનને સંસદીય કાર્યવાહી માંથી હટાવવાનો પણ અનુરોધ કર્યો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે સેંથિલ કુમાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યા હોય. આ પહેલા પણ તેમણે ભૂમિ-પૂજનને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તો ચાલો જાણીએ આખરે કોણ છે સેંથિલ કુમાર અને પહેલા તેઓ કયા નિવેદનોને લઈને વિવાદમાં આવ્યા છે.
કોણ છે વિવાદોમાં ફસાયેલ સાંસદ સેંથિલ કુમાર?
સેંથિલ કુમાર તમિલનાડુના ધર્મપુરી લોકસભા બેઠક પરથી DMKના સાંસદ છે. તેમનો જન્મ જૂન 1977માં ધર્મપુરીમાં થયો હતો. સેંથિલ કુમારના પિતાનું નામ સેલ્વારાજ અને માંનું નામ શીલા છે. ફેબ્રુઆરી 2009 શોબના બલરાજ સાથે તેમના લગ્ન થયા હતા. તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો તેમણે અન્નામલાઈ યુનિવર્સિટી અને શ્રી રામચંદ્ર યુનિવર્સિટીમાંથી રેડિયો ડાઇગ્નોસિસમાં MBBS અને MD ની ડિગ્રીઓ મેળવી છે.
2019માં પૂર્વ કેન્દ્રીય મંત્રીને હરાવીને બન્યા હતા સાંસદ
DMK નેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત ડૉક્ટર (રેડિયોલોજિસ્ટ) તરીકે કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં, DMKએ તેમને ધર્મપુરી બેઠક પરથી ચૂંટણી લડાવ્યા અને જીતવામાં સફળ રહ્યા. તેમણે 2019ની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અંબુમણિ રામદાસને હરાવ્યા હતા. સાંસદ બન્યા બાદ DMK નેતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં સલાહકાર સમિતિના સભ્ય પણ રહ્યા હતા. તો સાથે સાથે, 13 સપ્ટેમ્બર, 2019 થી, તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણની સ્થાયી સમિતિના સભ્યની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.
અત્યારે કેમ ચર્ચામાં આવ્યા સેંથિલ કુમાર?
વાસ્તવમાં, DMK સાંસદ ડીએનવી સેંથિલ કુમાર એસ. મંગળવારે લોકસભામાં હિન્દીભાષી રાજ્યોનો ઉલ્લેખ કરતી વખતે તેમણે તેમના માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સેંથિલ કુમાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન તેમણે દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપની કામગીરી પર પણ વાત કરી હતી.
લોકસભામાં હંગામા બાદ સેંથિલ કુમારે પોતાના વિવાદિત નિવેદન બદલ બુધવારે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જો ગઈકાલે મારા અજાણતા નિવેદનથી કેટલાક વર્ગોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું મારુ નિવેદન પરત લઉં છું. હું આ શબ્દો દૂર કરવા વિનંતી કરું છું. મને તેનો અફસોસ છે.’
શું પહેલા પણ વિવાદોમાં રહ્યા સેંથિલ કુમાર?
ગત વર્ષે જુલાઈમાં સેંથિલ કુમાર એ સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે એક સરકારી કાર્યક્રમમાં ‘ભૂમિપૂજન’ પર વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં, સેંથિલ કુમારે ધર્મપુરી જિલ્લામાં એક રોડ પ્રોજેક્ટના ઉદ્ઘાટન દરમિયાન ‘ભૂમિ પૂજન’ સમારોહનું આયોજન કરવા બદલ વરિષ્ઠ સરકારી અધિકારીની ટીકા કરી હતી.
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં સેંથિલ કુમાર કાર્યક્રમમાં હાજર એક્ઝિક્યુટિવ એન્જિનિયર પર પોતાનો ગુસ્સો કાઢતો જોવા મળ્યા હતા. દરમિયાન DMK નેતાએ કહ્યું હતું કે, ‘સરકારી કાર્યક્રમમાં હિંદુ ધાર્મિક વિધિઓ શા માટે કરવામાં આવે છે? શું તમે જાણો છો કે તમને કોઈપણ સરકારી કાર્યક્રમ માટે આ કરવાની મંજૂરી નથી? અન્ય ધર્મો વિશે શું? ખ્રિસ્તી, મુસ્લિમ, દ્રવિડ કઝગમ (ડીકે), અથવા જેમનો કોઈ ધર્મ નથી? તે બધાને બોલાવો, ચર્ચમાંથી ફાધરને બોલાવો, મસ્જિદમાંથી ઇમામને બોલાવો.
રોષે ભરાયેલા સાંસદે અધિકારીઓને ‘આ બધું સાફ કરવાનો’ આદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ પ્રકારના આયોજનો માટે ક્યારેય મારો સંપર્ક કરશો નહીં… આ શાસનનું દ્રવિડ મોડલ છે. જો તમે આ પ્રકારના કર્મકાંડ કરવાના છો તો તેમાં તમામ ધર્મોનો સમાવેશ કરો.’
તે સમયે, ધર્મપુરીના સાંસદના વલણની વિપક્ષ દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યું હતું કે આ સંપૂર્ણપણે ગેરવાજબી ગુસ્સો છે. તો, ભાજપના પ્રદેશ સચિવ એસજી સૂર્યાએ સેંથિલ કુમારના ગુસ્સાને ‘હિંદુ વિરોધી’ ગણાવ્યો હતો.


