- કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલરી તેમજ 12થી વધુ બેંકલોકર્સ સીઝ
- 100થી વધુના કાફલા સર્ચમાં, મોટાપાયે બિનહિસાબી દસ્તાવેજો મળ્યા
- કોમ્પ્યૂટરના હાર્ડડિસ્ક અને લેપટોપ પણ સીઝ કરી તેના ડેટાની તપાસ
આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા શુક્રવારે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સુરાના ગ્રૂપ તેમજ યાર્ન વેપાર અને જમીન ખરીદ વેચાણ સાથે સંકળાયેલા કંસલ ગ્રૂપ પર સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મોડી રાત સુધી જારી રહેલી કાર્યવાહીમાં તમામ સ્થળો પરથી મોટાપાયે બેહિસાબી દસ્તાવેજો મળી આવ્યા હતા. તે ઉપરાંત કરોડોની રોકડ અને જ્વેલરી તેમજ 12થી વધુ બેંકલોકર્સ સીઝ કરાયા હતા.
આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, શુક્રવારે સુરાના ગ્રૂપ અને કંસલ ગ્રૂપના માલિક, ભાગીદાર, એકાઉન્ટન્ટ બ્રોકર્સ સહિત કુલ 22 સ્થળો પર તપાસ શરૂ કરી હતી. સુરાના ગ્રૂપ દ્વારા રેસિડેન્સિલ પ્રોજેક્ટ, કોમર્શિયલ પ્રોજેક્ટ તૈયાર કરાયા છે. કાપડ માર્કેટના પ્રોજેક્ટ પણ ગ્રૂપ દ્વારા કરયા છે. હાલ પણ ગ્રૂપના પ્રોજેક્ટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નિર્માણાધીન છે, આ રીતે જ કંસલ ગ્રૂપ વિદેશી યાર્ન ઇમ્પોર્ટ કરી વેચાણ કરે છે તેની સાથે જ જમીન ખરીદ-વેચાણ સાથે પણ જોડાયેલું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા છ મહિનાથી બંને ગ્રૂપના આર્થિક સોદાઓ પર નજર રખાઈ હતી. આ કામગીરીમાં સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટના આવકવેરા અધિકારીઓ અને ઇન્સ્પેક્ટર મળી કુલ 100થી વધુનો સ્ટાફ જોડાયો હતો. મોડી રાત સુધી જારી રહેલી કામગીરી દરમિયાન તમામ સ્થળો પરથી મોટાપાયે જમીન ખરીદી વેચાણ, શેરબજારમાં રોકાણ, હિસાબી ડાયરી અને રોકડમાં હિસાબના વ્યવહારો મળી આવ્યા હતા. આ સિવાય કોમ્પ્યૂટરના હાર્ડડિસ્ક અને લેપટોપ પણ સીઝ કરી તેના ડેટાની તપાસ કરાશે.
બાતમી લિંક નહીં થાય તે માટે મહારાષ્ટ્રની ગાડીઓ ઉપયોગમાં લેવાઈ
આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચની કાર્યવાહીની બાતમી લીક નહીં થઇ જાય તે માટેની પૂરતી કાળજી રાખવામા આવી હતી. તપાસ માટે સુરતની ગાડીઓની જગ્યાએ મહારાષ્ટ્રથી ગાડીઓ મંગાવવામાં આવી હતી. તે સિવાય સુરતની જગ્યાએ અમદાવાદ, વડોદરા અને રાજકોટના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટર મોટી સંખ્યામાં શામેલ કરવામાં આવ્યા હતા.


