- વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 40 હજારની માંગ
- 15 હજાર આપ્યા બાદ વધુ રૂપિયાની માંગ કરાઈ
- યુવકે સરથાણા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
સુરતમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ડિજિટલ હનીટ્રેપની ઘટનામાં એક યુવક ફસાયો હતો. નિર્વસ્ત્ર હાલતમાં સ્ક્રીન રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું, ત્યાર બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 40 હજારની ખંડણી માંગવામાં આવી હતી. 15 હજાર આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગ કરાઈ હતી. જે બાદ યુવકે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની માહિતી અનુસાર, સરથાણાના યુવકની સાથે ફેસબુકમાં વાત કર્યા બાદ વ્હોટ્સએપ નંબર મેળવીને ન્યુડ વીડિયો કોલનું રેકોડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપીને 15 હજાર પડાવી લેવાયા હતા. મૂળ જામનગરના વતની અને સરથાણામાં રહેતા તેમજ હીરાના કારખાનામાં કામ કરતા યુવક સાથે 7 મહિના પહેલા પૂજા પટેલ નામની યુવતિએ ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી.
આ પછી બંને વચ્ચે નિયમિત ચેટિંગ શરૂ થયું હતું. આ દરમિયાન યુવતીએ ફેસબુક એકાઉન્ટ પરથી યુવકનો નંબર મેળવી લીધો હતો. યુવતીએ વોટ્સએપ કોલ કરતાં કરતાં યુવકે રિસીવ કર્યો હતો. દરમિયાન કોલ કરનાર યુવતી નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળતા તેણીએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ગણતરીની સેકન્ડો પૂરતો જ વીડિયો કોલ ચાલુ રહ્યો હતો. જે કોલ કટ કર્યા બાદ યુવતીએ બીભત્સ વીડિયો યુવકને મોકલ્યો હતો.
તેમજ વીડિયો વાયરલ કરવાના બહાને બ્લેકમેલ કરી 40 હજારની માંગ કરી હતી. પૈસ નહીં આપો તો વીડિયો યુ-ટ્યુબ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈને યુવકે 15 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જે કે વધુ પૈસાની માંગ કરવા સાથે વારંવાર કોલ કરી પરેશાન કરતા હતા. જેથી કંટાળી યુવકે પોલીસને જાણ કરી હતી. સરથાણા પોલીસે અજાણી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


