- ગુજરાત અને હિમાચલ પ્રદેશ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત
- ગુજરાત માટે 338 કરોડ અને હિમાચલ માટે 633 કરોડની આર્થિક સહાય
- કુદરતી આફતો પીડિત રાજ્યો માટે કેન્દ્ર સરકારની આર્થિક સહાયની જાહેરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે મંગળવારે કુદરતી આફતોથી પીડિત રાજ્યો માટે રિલીફ ફંડની જાહેરાત કરી છે. જેમાં, બિપોરજોય વાવાઝોડાને લીધે ગુજરાતમાં થયેલ નુકસાન અને પૂર સહિતની આફતો સહન કરી ચૂકેલા હિમાચલ પ્રદેશ માટે રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત માટે 338.24 કરોડના રાહત ફંડની જાહેરાત કરી છે તો સાથે સાથે હિમાચલ પ્રદેશ માટે 633.73 કરોડની રાહતની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં થયેલા નુકસાન સામે આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે. પોતાના ટ્વિટમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મંત્રાલયે આજે ગુજરાત માટે 338.24 કરોડની આર્થિક સહાયને મંજૂરી આપી છે. ટ્વિટમાં વધુમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા પહેલા અદ્યતન તૈયારીઓ કરી હતી જેને કારણે કુદરતી આફત દરમિયાન એકપણ નાગરિકના મોત થયા નથી.
અત્યંત ગંભીર બિપોરજોય વાવાઝોડાના પરિણામે, મંત્રાલય દ્વારા રાજ્ય સરકારના મેમોરેન્ડમની રાહ જોયા વગર તુરંત નુકસાનની આકારણી માટે આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ કામે લગાડી દીધી હતી. કેન્દ્ર સરકારે આ પહેલા SDRF માટે 584 કરોડની રકમ પહેલા જ ફાળવી દીધી છે.
તો સાથે સાથે હિમાચલ પ્રદેશ માટે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે. ટ્વિટ કરતાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ માટે 633.73 કરોડ રૂપિયાના નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની જાહેરાત કરવામાં આવી છે. પોતાના ટ્વિટમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ચાલુ વર્ષે, દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર, વાદળ ફાટવા અને ભુસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશને ખાસ્સું નુકસાન સહન કરવું પડ્યું છે.


