- GPF ફંડની 3000 કરોડની રકમ રેવન્યૂ સરપ્લસ દર્શાવી ચાંઉ કરી લીધી
- 3000 કરોડ કર્મચારી કલ્યાણ કોષના નામે એકઠા કરીને જમા જ ન કરાવ્યા
- રેવન્યૂની ખોટ સરભર કરવા ઉપયોગમાં લેવાઈ હતી
રાજસ્થાનમાં અગાઉની સરકાર દ્વારા વિદાય પહેલા રૂ. 3000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનાં અહેવાલોએ સનસનાટી મચાવી છે. અગાઉની સરકારના નાણા વિભાગના અધિકારીઓએ એક પણ વિભાગને કૌભાંડ વિનાનો નથી છોડયો હજી તો ત્યાં NPSનાં રૂ. 1000 કરોડનાં કૌભાંડની કાગારોળ શમી નથી ત્યાં GPFનું રૂ. 3000 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા કર્મચારી કલ્યાણ કોષની રકમ ચાંઉ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અધિકારીઓ દ્વારા GPF સેટલમેન્ટ ફંડની જમા રૂ. 3000ની રકમ કર્મચારી કલ્યાણ કોષમાં જમા કરવાની હતી તેને રેવન્યૂની ખોટ સરભર કરવા ઉપયોગમાં લેવાઈ હતી.
3000 કરોડનાં કલ્યાણ કોષની જાહેરાત કરાઈ હતી
અગાઉની ગેહલોત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2020-21માં કર્મચારી કલ્યાણ કોષ માટે રૂ. 3000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ માટે 10 જૂન 2021 અને 14 જૂન 2021નાં રોજ મુખ્ય નાણાં સચિવ અખિલ અરોરાનાં વડપણમાં મળેલી બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે GPFનાં ખાતામાં જે દાવા કર્યા વિનાની રકમ પડી છે તે ખાતા ધારકો દ્વારા દાવો કરવામાં ન આવે ત્યાં સુધી કર્મચારી કલ્યાણ કોષમાં જમા કરવામાં આવે.
રૂ. 2984 કરોડ દાવો કર્યા વિનાના દર્શાવ્યા
1 એપ્રિલ 2020નાં રોજ GPF ખાતામાં 3,91,000 કર્મચારીઓનાં રૂ. 34,262 કરોડ જમા હતા જ્યારે SIPFની પોર્ટલ પર 31,279 કરોડ જ જમા દર્શાવાયા હતા. કર્મચારીઓનાં પગારમાંથી રકમ કપાતી હતી પણ તેમનાં ખાતામાં જમા કરાતી ન હતી.


