- સફારી પાર્કના સપનાં જ બતાવ્યા
- રિ ટેન્ડર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
- પ્રજાને ગુમરાહ કરાઈ હોવાનો વિપક્ષે આક્ષેપ
AMCના શાસકો દ્વારા રૂ. 250 કરોડના ખર્ચે ગ્યાસપુરમાં અંદાજે 500 એકરમાં જંગલ સફારી પાર્ક અને બાયો ડાઈવર્સિટી બનાવવા માટે કરવામાં આવેલી જાહેરાત પોકળ પુરવાર થઈ છે. તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ગત સપ્ટેમ્બરમાં જંગલ સફારી પાર્ક અને બાયો ડાઈવર્સિટી પાર્ક બનાવવા માટે જાહેરાત કરી હતી. પરંતુ AMCમાં BJPના જ નવા શાસકોએ સૂકાન સંભાળ્યા પછી હવે સૂચિત જંગલ સફારી પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવી રહ્યો છે. AMCમાં પૂર્વ શાસકોએ જંગલ સફારી પાર્ક પ્રોજેક્ટ અંગે કરેલી જાહેરાતો પોકળ પુરવાર થઈ રહી અને પ્રજાને ગુમરાહ કરાઈ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ હેતુસર ટેન્ડર જારી કરાયા હતા પરંતુ કોઈ પાર્ટી આવી ન હોવાથી ફરીથી ટેન્ડર જારી કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
ઉલ્લેખનીય છે કે, તા. 6 સપ્ટેમ્બર, 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન દ્વારા ગ્યાસપુરમાં રૂ. 250 કરોડના ખર્ચે જંગલ સફરી પાર્ક તથા બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. આ બાબતે કન્સલટન્ટની નિમણુંક કરી માસ્ટર પ્લાન બનાવવામાં આવશે અને તે પ્લાનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજુરી માટે મોકલી આપવામાં આવશે. શહેરીજનોને વન્ય પશુ પક્ષીઓ જોવા ગીરના જંગલમાં કે કેવડીયા કોલોની જવું નહી પડે તેવી માત્ર ડંફાસો જ મારી હતી.
જંગલ સફારી પાર્ક : બુદ્ધિનું દેવાળું ફૂંકતા શાસકો
પીરાણા ડમ્પ સાઈટની નજીક સફારી પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ વાયેબલ છે કે નહીં તેની ફિઝિબિલિટી તપાસ્યા વિના જ તત્કાલીન શાસકોએ સૂચિત પાર્ક અંગે જાહેરાતો કરીને બુદ્ધિનું દેવાળું ફુંક્યુ હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પીરાણામાં કચરાનો ડુંગર ખડકાયો છે તેની નજીક પ્રાણીઓ ઉછરી શકે કે નહીં, તે અંગેની સંભાવના તપાસ્યા વિના શાસકો દ્વારા કરાતી જાહેરાતો વિચારણા માગી લે છે.


