- પહેલા દિવસે 3,000 કિલો ચાંદી આયાત કરવા સોદા થયા
- DGFTએ જ્વેલર્સને IIBX મારફત ચાંદી આયાતની મંજૂરી આપી હતી
- બુધવારથી એક્સચેન્જ પર ચાંદીનું ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું
ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં આવેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) પર બુધવારથી ચાંદીનું ટ્રેડિંગ શરૂ થયું છે. IIBXમાં ચાંદીના ટ્રેડ શરૂ થવાથી જ્વેલર્સ માટે સિલ્વર ઇમ્પોર્ટ કરવાનું સરળ બન્યું છે. ટ્રેડિંગના પહેલા દિવસે 3 ટન ચાંદીના સોદા થયા હતા. ડિરેક્ટર જનરલ ઓફ્ ફેરેન ટ્રેડે ઓક્ટોબરમાં ચાંદીની આયાત નીતિમાં સુધારો કરીને ઈન્ટરનેશનલ ફઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) દ્વારા માન્ય લાયકાત ધરાવતા જ્વેલર્સને IIBX મારફ્તે ચાંદીની આયાત કરવાની મંજૂરી આપતા ઓક્ટોબરમાં નોટિફ્કિેશન બહાર પાડયું હતું.
IIBXના મેનેજિંગ ડિરેક્ટર અશોક કુમાર ગૌતમે જણાવ્યું કે, બુધવારથી એક્સચેન્જ પર ચાંદીનું ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઇનોગરલ ડે ટ્રેડિંગ સેશનમાં અંદાજે 3 ટન ચાંદીના ફિઝિકલ સોદા થયા હતા. હાલમાં IIBX પર સોનાનું ટ્રેડિંગ થઇ રહ્યું છે અને હવે ચાંદીનું ટ્રેડિંગ શરૂ થવાથી બુલિયન એક્સચેન્જ મારફ્ત જ્વેલર્સ ચાંદીની આયાત કરી શકાશે. ગિફ્ટ સિટી બુલિયન એક્સચેન્જ પર 102 ક્વોલિફઇડ જ્વેલર્સ અને 22 જેટલા ક્વોલિફઇડ સપ્લાયર્સ રજિસ્ટર્ડ છે. પહેલા દિવસે 23 ડોલર પ્રતિ ટ્રોય ઓંસના ભાવે અંદાજે 3,000 કિલો ચાંદીના ફિઝિકલ કોન્ટ્રાક્ટ થયા હતા જેની વેલ્યુ રૂ. 20.26 કરોડ જેવી હતી. આ સોદા 2 ક્વોલિફઇડ જ્વેલર્સ દ્વારા કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે ઓક્ટોબરમાં ચાંદીની આયાત નીતિમાં સુધારો કર્યો તે અગાઉ IIBX પર માત્ર બેંકો ચાંદી આયાત કરી શકતી હતી. 2022માં, ભારતે લગભગ 8,691 મેટ્રિક ટન ચાંદીની આયાત કરી હતી. IIBX પાસે 4,500 મેટ્રિક ટન ચાંદી રાખવાની ક્ષમતા છે. IIBX ઓથોરિટીના જણાવ્યા મુજબ, સોના અને ચાંદીમાં અત્યારે ફિઝિકલ કોન્ટ્રાક્ટ થઇ રહ્યા છે. આવતા દિવસો માંસોના અને ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક્સચેન્જ પર ઓક્ટોબરમાં 1,230 કિલો સોનાની આયાતના કોન્ટ્રાક્ટ થયા હતા. તેના આવતા મહિને પણ 1,200 કિલોથી વધુના કોન્ટ્રાક્ટ નોંધાયા હતા.


