- યુવકે હપતા રોકડમાં આપ્યા હતા પણ આરોપીઓએ બેંકમાં ભર્યા ન હોવાનો આક્ષેપ
- પીડિત યુવકે ન્યાય માટે અગાઉ સીઆઈડી ક્રાઈમમાં પણ અરજી કરી હતી
- મેનેજરનું લોનના હપ્તા ભરવા માટે દબાણ વધી ગયું હતું
સેટેલાઈટમાં આવેલી કલર મર્ચન્ટ બેંકના મેનેજર સહિત એજન્ટોના ત્રાસ અને છેતરપિંડીથી કંટાળી દેવાના ડુંગર તળે કચડાયેલા યુવકેે સોમવારે પોતાના વેજલપુર સ્થિત ઘરે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે કલર મર્ચન્ટ બેંકના મેનેજર, એજન્ટ, તેના માણસ, સબ એજન્ટ અને અન્ય એક શખ્સ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, મૃતક અને તેના ભાઈએ લોનના હપ્તા રોકડમાં આપ્યા પણ આરોપીઓએ લોન એકાઉન્ટમાં ભરપાઈ ના કરતા લોનની રકમના હપ્તા બાકી બોલતા અને આરોપીઓ કડક ઉઘરાણી કરતા હતા. ઠગાઈ મામલે ન્યાય માટે મૃતકે વકીલની સલાહ લઈ સીઆઈડી ક્રાઈમમાં પણ અરજી કરી હતી.
બોડકદેવમાં પકવાન ચાર રસ્તા પાસે કાર એસેસરીઝ અને શીટ કવર ફિટિંગનું મજૂરી કામ કરતા સંદીપ પરમારને લોન માટે એજન્ટ ચિંતન શાહ સહિતના શખ્સો સાથે પરિચય થયો હતો. ચિંતને આઠ લાખની લોન કરાવી તેમાંથી 4.50 લાખ રૂપિયા આપી જણાવ્યું હતું કે, તમારા બાકી હપ્તા અને અમારા કમીશનની રકમ કાપી લીધી છે. તે લોનના હપ્તા બાકી રહેતા ચિંતને ફરિયાદીને બીજી આઠ લાખની ટોપઅપ લોન કરાવી આપી હતી. જેમાંથી અગાઉની લોનના બાકી હપ્તા અને પોતાનું કમિશન કાપી 4.50 લાખ રૂપિયા જ આપ્યા હતા. 2020માં કોરાના કાળમાં લોનના હપ્તા બાકી રહેતાં હિરેન, પવન સોમપુરા અને ચિંતનનો માણસ સુરેશ સંદીપભાઈને ગમે ત્યાં રોકી અપશબ્દો બોલી બાકી હપ્તા ભરવા દબાણ કરી મકાન સીલ કરવાની ધમકી આપતા હતા. પેનલ્ટી ભરવાની વાત કરી જ્યારે પણ ઉઘરાણી કરવા માટે આવે ત્યારે રૂ.બેથી પાંચ હજારની રકમ આરોપીઓ લઈ જતા હતા. આમ, મેનેજર અતુલ શાહ સહિતનાનું લોનના હપ્તા ભરવા માટે દબાણ વધી ગયું હતું. સંદીપના ભાઈ કુલદીપે પોતાના દાગીના ગીરવે મુકીને ચિંતનને રૂ.50 હજાર આપ્યા હતા. જોકે, આરોપીઓ રોક્ડ રકમ લઈ જતા તે લોનના હપ્તામાં ભરતા ન હોવાથી બાકી હપ્તાની રકમ સતત વધતી જતી હતી. જેથી તણાવમાં રહેતા સંદીપે પોતાના વેજલપુર સ્થિત સહવાસ એપાર્ટમેન્ટ ખાતેના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વેજલપુર પોલીસે આ મામલે કલર મર્ચન્ટ બેંકના મેનેજર અતુલ શાહ, એજન્ટ ચિંતન શાહ, તેનો માણસ સુરશ, સબ એજન્ટ હિરેન અને પવન સોમપુરા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મૃતકે ભાઈને જણાવ્યું હતું કે, તેના બેંક ખાતામાં ખોટા વ્યવહારો થયા છે
ફરિયાદ મુજબ, મૃતક સંદીપે તેના ભાઈ કુલદીપને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર બેંકમાં કોઈએ તેના નામનું ખાતુ ખોલાવીને ખોટા વ્યવહારો કર્યા છે. બેંકના મેનેજર અને ચિંતન સહિતના લોકો પૈસા ભરવા દબાણ કરી અપમાન કરે છે. જેના કારણે ત્રાસી ગયો છું.
સંદીપે મરવાના વિચાર આવતા હોવાનું પણ ભાઈને જણાવ્યું હતું
કુલદીપના જણાવ્યા મુજબ, તેના ભાઈ સંદીપ પરમારે તેને જણાવ્યું હતું કે, આપણે આ લોકોને જે રકમ આપી તે તેઓેએ લોનના બાકી હપ્તામાં જમા કરાવી જ નથી. જેના કારણે આપણી લોનની રકમ બાકી બોલે છે. જે પૈસા આપણે ચૂકવ્યા તે લોનની રકમ કરતા પણ વધારે છે. આ લોકોના ત્રાસથી હવે મને મરવાના વિચાર આવે છે. જો કે, કુલદીપે તેના ભાઈને હિંમત રાખવાનું કહી સમજાવવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો.


